News Continuous Bureau | Mumbai
Jharkhand: ઝારખંડ (Jharkhand) ના કોડરમા (Koderma) જિલ્લામાં એક દુ:ખદ ટ્રેન અકસ્માત (Train Accident) ના સમાચાર સામે આવ્યા છે. ટ્રેક ઉપર ઓવરહેડ વાયર તૂટવાને કારણે ટ્રેન ચાલકે અચાનક ઇમરજન્સી બ્રેક (Emergency Break) લગાવવી પડી હતી. આ બ્રેકના કારણે લાગેલા આંચકાને કારણે ટ્રેનમાં સવાર બે મુસાફરોના મોત થયા છે. આ ઘટના પુરી-નવી દિલ્હી પુરૂષોત્તમ એક્સપ્રેસ સાથે બની હતી. દુર્ઘટના સમયે ટ્રેન દિલ્હી તરફ જઈ રહી હતી.
પૂર્વ મધ્ય રેલવેના અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર, ટ્રેન દુર્ઘટનાની આ ઘટના ગોમોહ અને કોડરમા રેલવે સ્ટેશન વચ્ચે પરસાબાદ પાસે બપોરે 12.05 વાગ્યે બની હતી. પુરૂષોત્તમ એક્સપ્રેસના ડ્રાઈવરે ઓવરહેડ ઈલેક્ટ્રીક વાયર તૂટ્યા બાદ ઈમરજન્સી બ્રેક લગાવી હતી. આ જ ક્ષણે જોરદાર આંચકો આવ્યો હતો જેના કારણે બે લોકોના મોત થયા હતા.
કેવી રીતે થયો અકસ્માત?
ધનબાદ રેલવે ડિવિઝનના વરિષ્ઠ ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અમરેશ કુમારે જણાવ્યું હતું કે, ‘વીજ પુરવઠો અચાનક બંધ થઈ જતાં ટ્રેનને રોકવા માટે ઈમરજન્સી બ્રેક લગાવવામાં આવી હતી અને આંચકાને કારણે બે લોકોના મોત થયા હતા.’ જ્યારે અકસ્માત થયો ત્યારે ટ્રેન 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હતી.
કુમારે કહ્યું કે કોડરમા-ગોમો સેક્શનમાં થયેલા અકસ્માત બાદ ECRના ધનબાદ રેલવે ડિવિઝન હેઠળની ગ્રાન્ડ ચોર્ડ લાઇન પર ટ્રેનોની અવરજવર ચાર કલાકથી વધુ સમય માટે રોકી દેવામાં આવી હતી. તેમણે કહ્યું કે પુરૂષોત્તમ એક્સપ્રેસને અકસ્માત સ્થળથી ડીઝલ એન્જિન દ્વારા ગોમો સુધી લાવવામાં આવી હતી અને પછી ઇલેક્ટ્રિક એન્જિન દ્વારા દિલ્હી મોકલવામાં આવી હતી.