News Continuous Bureau | Mumbai
તમે સાંભળ્યું જ હશે કે ભગવાન જ્યારે આપે છે ત્યારે છપ્પર ફાડીને જ આપે છે. આવું જ કંઈક કેરળના એક ઓટો ડ્રાઈવર સાથે થયું છે. ગરીબીથી પરેશાન થઈને મલેશિયા જઈ શેફનું કામ કરવાનું મન બનાવી લેનાર ડ્રાઇવર રાતોરાત કરોડપતિ બની ગયો. તેને બે પાંચ કરોડ નહીં પણ અધધ.. 25 કરોડની ઓણમ બંપર લોટરી લાગી.
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ, લોટરી જીતનાર ઓટો ડ્રાઈવર અનૂપ શ્રીવરહમનો રહેવાસી છે. શનિવારે, તેણે TJ 750605 નંબરની ટિકિટ ખરીદી હતી, જેણે તેનું નસીબ ફેરવી દીધું હતું. મીડિયા સાથે વાત કરતા અનૂપે કહ્યું કે પહેલા તેણે એક ટિકિટ ખરીદી જે તેને પસંદ ન હતી, ત્યારબાદ તેણે બીજી ટિકિટ ખરીદી અને તે તેના જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની ગયો.
આ સમાચાર પણ વાંચો : શું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં આ કોમેડિયન ભજવશે મિસિસ પોપટલાલ ની ભૂમિકા-અભિનેત્રીએ સાઈન કર્યો શો
રીક્ષા ડ્રાઈવર અનૂપે જણાવ્યું કે, બેન્કે મને લોન આપવા માટે બોલાવ્યો હતો પરંતુ મેં ના પાડી દીધી. હવે મારે મલેશિયા જવું નથી. હું છેલ્લા 22 વર્ષથી લોટરીની ટિકિટ ખરીદુ છું પરંતુ અત્યાર સુધી 5 હજારથી વધુ જીતી શક્યો નથી. મને આશા નહોતી તેથી મેં ટીવી પર પરિણામ પણ જોયું નથી. બાદમાં જ્યારે મારો ફોન જોયો તો ખબર પડી કે હું જીતી ગયો છું. મને વિશ્વાસ ન આવ્યો એટલે મેં તે મહિલાનો સંપર્ક કર્યો, જેની પાસેથી ટિકિટ ખરીદી હતી. તેણે કન્ફર્મ કર્યું કે આ જીતનારો નંબર છે. નોંધનીય છે કે ટેક્સ કપાયા બાદ અનૂપને લગભગ 15 કરોડ રૂપિયા મળશે.
અનૂપને જ્યારે પૂછવામાં આવ્યું કે આટલા પૈસાનું તે શું કરશે તો તેણે કહ્યું, પહેલા તો મારા પરિવાર માટે એક ઘર બનાવવું છે અને પછી દેવુ ચુકતે કરવાનું છે. આ સિવાય અનૂપે કહ્યું કે તે તેના સંબંધીઓને મદદ કરશે, ચેરિટી કામ કરશે અને કેરળમાં હોટેલ સેક્ટરમાં કંઈક શરૂ કરશે. આ સંયોગ જ છે કે પાછલા વર્ષે પણ 12 કરોડ રૂપિયાની ઓણમ બંપર લોટરી એક રિક્ષા ડ્રાઇવરે જીતી હતી.
આ સમાચાર પણ વાંચો : લ્યો કરો વાત મુંબઈમાં એક બે નહીં પણ 50 પતિઓએ જીવંત પત્નીનું કર્યું પિંડદાન કારણ જાણી ચોંકી જશો