ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 ઑગસ્ટ, 2021
સોમવાર
ગુજરાતના ગૌરવ સમાન અને ગીરનું નજરાણું લેખાતાં સાવજોની રક્ષા કરવામાં વન વિભાગ સરેઆમ નિષ્ફળ ગયું હોય એવી ઘટનાઓ છાશવારે બનતાં પ્રકૃતિપ્રેમીઓમાં ભારે રોષની લાગણી છવાઈ છે. મહામૂલા વધુ એક સિંહનું સાવરકુંડલા નજીક ખડકાળા ગામ પાસે ગત રાતના માલગાડી નીચે કપાઈ જતાં મોત નીપજ્યું હતું. વન વિભાગ દ્વારા સિંહના મૃતદેહને નાની વડાળ ખાતે ખસેડાયો હતો.
પ્રાપ્ત જાણકારી મુજબ ગીરના જંગલ વિસ્તારમાં સિંહોને પૂરતો ખોરાક મળતો ન હોવાના કારણે રેવન્યુ વિસ્તારોમાં પોતાના રહેણાક બનાવેલા છે. સિંહના મોતની ઘટના અવિરત ચાલુ રહેતાં ગઈ કાલે રાત્રિના નવેક વાગ્યાના સુમારે સાવરકુંડલાથી દશેક કિલોમીટર દૂર ખડકાળા ગામ પાસે બાવન નંબરના રેલવેફાટક નજીક ખારી નદીના પુલ પાસે ડબલ ડેકર માલવાહક ટ્રેન નીચે પાંચેક વર્ષનો સિંહ કપાઈ ગયો હતો.
વન વિભાગના અધિકારીઓના જણાવ્યાનુસાર રાત્રિના વરસાદી માહોલમાં આ ઘટના બની હતી. અહીં બે વાગ્યા સુધી આ માલગાડીને રોકી રખાઈ હતી અને બાદમાં રવાના કરાઈ હતી. જો રસ્તા પર કોઈ વાહનચાલક સિંહને હડફેટે લે તો વનતંત્ર ગુનો દાખલ કરી ચાલકની ધરપકડ કરે છે. પરંતુ ટ્રેન હેઠળ સિંહ કચડાઈ જાય અને મોતને ભેટે તો પણ વનતંત્ર દ્વારા ચાલક સામે કોઈ નક્કર કાર્યવાહી કરાતી નથી. રેલકર્મીઓને આવી કાર્યવાહીનો ડર ન હોવાથી વારંવાર આવી ઘટના બનતી હોવા છતાં રેલવે દ્વારા એને અટકાવવા કોઈ યોગ્ય પગલાં લેવાતાં નથી.
ઉલ્લેખનીય છે કે આ રેલ ટ્રૅક પર અત્યાર સુધીમાં 10થી વધુ સિંહ કચડાઈને મૃત્યુ પામ્યા છે. અગાઉ ભેરાઈ નજીક ત્રણ અને રામપરા નજીક બે સિંહ કચડાયા હતા. આ ઉપરાંત રાજુલા પંથકમા અને સાવરકુંડલા પંથકમાં પણ માલગાડી હેઠળ સિંહ કચડાયાની ઘટના બની ચૂકી છે. ગઈ રાત્રે જે વિસ્તારમાં ઘટના બની એ વિસ્તાર સિંહોનું ઘર છે. અહીંથી પીપાવાવની માલગાડીઓ ઉપરાંત મહુવાથી આવતી પૅસેન્જર ટ્રેન પણ પસાર થાય છે. બે વર્ષ અગાઉ પૅસેન્જર ટ્રેન હેઠળ અહીં બે સિંહબાળ કચડાઈ ગયા હતા.