News Continuous Bureau | Mumbai
LPG Crisis Hits Maharashtra: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભયાનક યુદ્ધની સીધી અસર હવે મહારાષ્ટ્રના પરિવહન ક્ષેત્ર પર પડી રહી છે. રાજ્યમાં ઓટો એલપીજી નો મોટો પુરવઠો ખોરવાતા રિક્ષાચાલકો આર્થિક સંકટમાં મુકાયા છે. સોલાપુર અને છત્રપતિ સંભાજીનગર જેવા મોટા શહેરોમાં એલપીજી પંપો પર ગેસ ઉપલબ્ધ ન હોવાથી રિક્ષાચાલકોએ પોતાની રિક્ષાઓ પંપ પર જ ઊભી રાખી દીધી છે, જેના કારણે તેમની રોજિંદી કમાણી બંધ થઈ ગઈ છે.
સોલાપુર અને સંભાજીનગરમાં હાહાકાર
સોલાપુર: અહીં અનેક દિવસોથી એલપીજી પંપો પર ગેસ નથી. પંપ સંચાલકોએ આગામી ૧ તારીખ સુધી ગેસ નહીં મળે તેવું બોર્ડ મારી દીધું છે. એક રિક્ષાચાલકે વ્યથા ઠાલવતા કહ્યું કે, “ઘરમાં ૬ લોકો છે, જો રિક્ષા જ નહીં ચાલે તો આ ઉંમરે ઘર કેવી રીતે ચલાવવું?”
છત્રપતિ સંભાજીનગર: શહેરમાં ૧૨ માંથી ૧૧ એલપીજી પંપ બંધ છે. માત્ર એક જ પંપ ચાલુ હોવાથી ક્રાંતિ ચોક વિસ્તારમાં ૧ કિલોમીટર લાંબી રિક્ષાઓની કતાર જોવા મળી રહી છે. ગેસના ભાવમાં પણ ૩૫ રૂપિયાનો ધરખમ વધારો થયો છે, છતાં ગેસ મળવો મુશ્કેલ છે.
આ સમાચાર પણ વાંચો: Shakira India Tour Cancelled: શકીરાના ચાહકોને મોટો ઝટકો! ભારત પ્રવાસ રદ; ઈરાન-ઈઝરાયેલ યુદ્ધે ફેરવ્યું પાણી, જાણો હવે ટિકિટના પૈસાનું શું થશે?
જલગાંવ અને અમરાવતીમાં પણ આવી જ સ્થિતિ
જલગાંવ શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી તમામ પાંચ એલપીજી પંપ બંધ છે. કંપનીઓ તરફથી પુરવઠો ન મળતા પંપ સંચાલકો પણ લાચાર છે. રિક્ષાચાલકોએ પોતાની વાહનો પંપ પર જ છોડી દીધા છે. બીજી તરફ, અમરાવતીના તિવસા તાલુકામાં પેટ્રોલ પંપો પર પણ વાહનોની ભારે ભીડ જોવા મળી રહી છે, કારણ કે અનેક જગ્યાએ પેટ્રોલનો સ્ટોક પણ ઓછો થઈ રહ્યો છે.
સામાન્ય નાગરિકો અને રિક્ષાચાલકોની વિનંતી
ગેસની અછતને કારણે માત્ર રિક્ષાચાલકો જ નહીં, પણ હોટલો અને નાના વ્યવસાયોને પણ મોટો ફટકો પડ્યો છે. રિક્ષાઓ રસ્તા પર ન હોવાથી સામાન્ય મુસાફરોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે. રિક્ષાચાલકોએ સરકારને વિનંતી કરી છે કે યુદ્ધની આ પરિસ્થિતિમાં ઉર્જા પુરવઠો જળવાઈ રહે તે માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે, અન્યથા અનેક પરિવારો માટે જીવન નિર્વાહ કરવો અશક્ય બની જશે.
