News Continuous Bureau | Mumbai
Yavatmal મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લામાં સાયબર ક્રાઈમનો એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેણે સમગ્ર દેશમાં ચકચાર મચાવી દીધી છે. જિલ્લાના આર્ણી તાલુકાના એક નાના એવા ગામ ‘શેંદુરસની’ માં જેની વસ્તી માંડ 1300 છે, ત્યાંથી 27,000 થી વધુ જન્મ અને મૃત્યુના પ્રમાણપત્રો ઇસ્યુ કરવામાં આવ્યા છે. આ ગંભીર ગેરરીતિ સામે આવ્યા બાદ મહારાષ્ટ્ર સરકારે તાત્કાલિક અસરથી એસઆઈટી (SIT) ની રચના કરી છે અને આ મામલાના તાર છેક બિહાર સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.
એક મહિનામાં 27 હજાર સર્ટિફિકેટ, કેવી રીતે થયો ખુલાસો?
આ મોટા કૌભાંડનો ખુલાસો ત્યારે થયો જ્યારે જિલ્લા આરોગ્ય અધિકારીએ શેંદુરસની ગ્રામ પંચાયતના ‘સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ’ (CRS) ની તપાસ કરી. તપાસમાં જાણવા મળ્યું કે છેલ્લા એક મહિનામાં જ આટલી મોટી સંખ્યામાં રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા છે. 1300 ની વસ્તી ધરાવતા ગામમાં 27,000 સર્ટિફિકેટ જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ આંકડો જોઈને શંકા ગઈ કે સરકારી પોર્ટલનો દુરુપયોગ કરવામાં આવ્યો છે, ત્યારબાદ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
બિહારના યુવકે સરકારી સર્વરમાં લગાવી સેંધ
યવતમાળ પોલીસે આ મામલે કાર્યવાહી કરતા બિહારથી 20 વર્ષીય યુવક ની ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ આરોપીએ સરકારી સર્વર હેક કરીને દેશના અલગ-અલગ ભાગો માટે આ નકલી પ્રમાણપત્રો જારી કર્યા હતા. આ પ્રમાણપત્રોનો ઉપયોગ સરકારી યોજનાઓનો લાભ લેવા અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે કરવામાં આવ્યો હોવાની આશંકા છે. હાલમાં આરોપીને 12 જાન્યુઆરી સુધી રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Bangladesh: બાંગ્લાદેશમાં લોહીયાળ ખેલ યથાવત: ૨૪ કલાકમાં બીજા હિન્દુની નિર્મમ હત્યા, ધારદાર હથિયારોથી હુમલો કરતા ભયનો માહોલ
SIT ની રચના અને વ્યાપક તપાસના આદેશ
આ મામલાની ગંભીરતાને જોતા મહારાષ્ટ્રના ગૃહ વિભાગે એડીજી (ADG) સાયબરની દેખરેખ હેઠળ એસઆઈટી (SIT) દ્વારા તપાસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. યવતમાળ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) અને આઈટી એક્ટની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. એસઆઈટીની ટીમ આ અઠવાડિયે ગામની મુલાકાત લઈ શકે છે. આ રેકેટમાં અન્ય કોઈ મોટા માથાઓ કે સરકારી કર્મચારીઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે.