ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૬ મે ૨૦૨૧
ગુરુવાર
કોરોનાની રસી આપવામાં નહિ, પરંતુ રસીના બંને ડોઝ પોતાના સૌથી વધુ નાગરિકોને આપી તેમને સુરક્ષિત કરનાર રાજ્યોમાં પણ હવે મહારાષ્ટ્ર પહેલા નંબરે છે. મહારાષ્ટ્રમાં ૨૮,૬૬,૬૩૯ લોકોને રસીના બંને ડોઝ મળી ગયા છે. આજ સુધીમાં રસીના ૧,૬૭,૮૧,૭૧૯ ડોઝ આપવામાં આવ્યા છે.
રસીકરણ અભિયાન દરમિયાન ગઈકાલે ૫ મેના રોજ કુલ ૧૫૮૬ રસીકરણ કેન્દ્રો દ્વારા ૨,૫૯,૬૮૬ નાગરિકોને રસી આપવામાં આવી હતી. તેમાં રસીના ૧,૫૩,૯૩૭ ડોઝ ૧૮થી ૪૪ વર્ષના લોકોને આપવામાં આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં ૧,૩૯,૧૫,૦૮૮ નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, તો ૨૮,૬૬,૬૩૯ લોકોને રસીના બંને ડોઝ મળી ગયા છે. હવે આટલા લોકોનું રસીકરણ પૂર્ણ થતા રસીના સર્વાધિક ડોઝ પોતાના નાગરિકોને આપનાર રાજ્યોમાં મહારાષ્ટ્ર પહેલા ક્રમે હોવાની માહિતી આરોગ્ય વિભાગના અપર મુખ્ય સચિવ ડૉ. પ્રદીપ વ્યાસે આપી હતી.
લોકડાઉનને કારણે શાંત થયેલા મહારાષ્ટ્રના રાજભવનમાં પંખીઓનો કલરવ અને મોર નૃત્ય.. જુઓ તસવીર અને વિડિયો..
મહારાષ્ટ્રએ શરૂઆતથી જ રસીકરણ અભિયાનમાં આગળ હતું. મહારાષ્ટ્રમાં રસીના બગાડનો દર માત્ર ૧ ટકા છે. મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રીએ પણ આરોગ્ય કર્મચારીઓને રસીનો યોગ્ય રીતે ઉપયોગ કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર બાદ રાજસ્થાન (૧,૩૫,૧૭,૦૦૦), ગુજરાત (૧,૩૨,૩૧,૦૦૦), પશ્ચિમ બંગાળ (૧,૧૪,૭૫,૦૦૦), કર્નાટક (૧,૦૧,૧૧,૦૦૦) આવે છે.