ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,
મુંબઈ, 2 એપ્રિલ 2021
શુક્રવાર
કોરોનાએ ફરી માથું ઉંચકતા ગઈ કાલે છત્તીસગઢ રાજ્યમાં રેકોર્ડ બ્રેક 4167 કેસ નોંધાયા હતા. હવે આ વધતા જતા સંક્રમણને અટકાવવા છત્તીસગઢ સરકારે અતિ મહત્ત્વનો નિર્ણય કર્યો છે. જે જિલ્લામાં કોરોના બેકાબુ થયો છે તે જિલ્લામાં ફરી સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં આવી રહ્યું છે.
દુર્ગ જિલ્લાના વહીવટી તંત્રએ 6 એપ્રિલથી 14 એપ્રિલ સુધી સાત દિવસનું સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે સ્થાનિક પ્રશાસનને સંજોગો અનુસાર પગલાં લેવાની છૂટ આપી છે. અગાઉ રાજધાની રાયપુરમાં અને બીજા જિલ્લામાં રાત્રે દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો તો બીજા અમુક જિલ્લામાં રાત્રી કર્ફ્યુ લાદવાનો નિર્ણય લેવાયો હતો અને રાયપુમાં 144ની કલમ પણ લાગુ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સ્કૂલ અને કૉલેજો 21 માર્ચથી જ બંધ કરવામાં આવી હતી જયારે રાજ્યમાં 1000 કેસ નોંધાયા હતા. હવે સ્થિતિ વધુ કથળતા સરકારે કડક પગલાં ભરવાનો વારો આવ્યો છે.