ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 જુલાઈ, 2021
બુધવાર
સરકારી સંસ્થા મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથૉરિટી (મ્હાડા)એ મુંબઈના પોતાના 100 જેટલા પ્લૉટ પાછા પોતાના કબજામાં લેવાનો નિર્ણય લીધો છે. એને પગલે આગામી સમયમાં મુંબઈગરાને વધુ સસ્તાં ઘર ઉપલબ્ધ થવાની શક્યતા છે.
મ્હાડાએ જુદી જુદી ગવર્નમેન્ટ બૉડીઝ તેમ જ ઇન્ડિવ્યુઝલી જેમને પ્લૉટ આપ્યા હતા, તેમની પાસેથી આ પ્લૉટનો કબજો પાછો લેવાની છે. લગભગ 30 વર્ષ પહેલાં આ પ્લૉટ મ્હાડાએ તેમને આપ્યા હતા.
મ્હાડાએ બૉમ્બે અર્બન ડેવલપમેન્ટ પ્રોજેક્ટના નેજા હેઠળ વર્લ્ડ બૅન્કની સહાયથી 1985થી 1994ની સાલમાં ડેવલપમેન્ટના પ્રોજેક્ટ હાથમાં લીધા હતા. એમાં ગોરાઈ-બોરીવલી, ચારકોપ-કાંદિવલી, માલવણી-મલાડ, મુલુંડ અને વર્સોવા વિસ્તારનો સમાવેશ થાય છે.
મ્હાડાના ચૅરમૅન વિનોદ ઘોસાલકરે મંગળવારે જાહેરાત કરી હતી કે વર્લ્ડ બૅન્કના નેજા હેઠળ જુદી-જુદી સરકારી સંસ્થા અને ખાનગી સ્તરે જેને પ્લૉટ આપવામાં આવ્યા હતા, જ્યાં હજી સુધી કોઈ કામ કરવામાં આવ્યાં નથી અને પ્લૉટ ખાલી પડી રહ્યા છે, તેમની પાસેથી આ પ્લૉટનો કબજો પાછો લેવામાં આવશે. અમુક જગ્યાએ આ પ્લૉટ પર અતિક્રમણ થઈ ગયું છે, તો અમુક પ્લૉટ ડમ્પિંગ ગ્રાઉન્ડ જેવા બની ગયા છે. આ પ્લૉટનો કબજો પાછો મેળવ્યા બાદ અહીં સસ્તાં ઘર બનાવવાની મ્હાડાની યોજના હોવાનું પણ ઘોસાલકરે કહ્યું હતું.