News Continuous Bureau | Mumbai
- મિલેટ મહોત્સવ મિલેટ્સ તેમજ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપશે, પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે નવીનીકરણ લઇને આવશે
- અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાશે રાજ્ય સ્તરનો મિલેટ મહોત્સવ, FPO સાથે સંકળાયેલા 1000થી વધુ મિલેટ પકવતા અને પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો તેમજ વિષય નિષ્ણાંતો કાર્યક્રમમાં જોડાશે
- મિલેટ મહોત્સવમાં મુલાકાતીઓ માટે પ્રદર્શનો, લાઇવ ડેમોન્સ્ટ્રેશન તેમજ લાઇવ ફૂડસ્ટોલ્સનું આયોજન
Millet Mahotsav: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બરછટ અનાજ એટલે કે મિલેટ્સમાંથી મળતા પોષણની મહત્તા સમજીને મિલેટ્સના ઉત્પાદન અને વપરાશ પર ભાર મૂક્યો છે. મિલેટ્સના ઉપયોગ અંગે લોકોમાં જાગરૂકતા ફેલાવવાના તેમના સઘન પ્રયાસોના પરિણામે સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2023ને ‘આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ’ જાહેર કર્યું હતું. આજે ગુજરાત પણ જાડા અને બરછટ અનાજના ઉપયોગ અને વપરાશને પ્રોત્સાહન આપી રહ્યું છે અને તેના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આગામી 8 અને 9 ફેબ્રુઆરી, 2025 દરમિયાન રાજ્યમાં ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસીય કાર્યક્રમનો ઉદ્દેશ મિલેટ્સ ઉત્પાદનો તેમજ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાનો છે. આ કાર્યક્રમ સાત મ્યુનિસિપલ કોર્પોરેશનો – અમદાવાદ, જામનગર, ગાંધીનગર, વડોદરા, સુરત, ભાવનગર અને રાજકોટમાં યોજાશે, જેમાં રાજ્ય સ્તરનો કાર્યક્રમ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત થશે. 8 ફેબ્રુઆરી, 2025ના રોજ બપોરે 12.15 વાગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ અને રાજ્યકક્ષાના કૃષિમંત્રી શ્રી બચુભાઈ ખાબડ પણ ઉપસ્થિત રહેશે.
આ સમાચાર પણ વાંચો: Road safety rally: દહેગામ ખાતે માર્ગ સલામતી જાગૃતિ રેલીનું આયોજન કરાયું, રેલીમાં 300થી વધુ વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી કેડેટ્સ જોડાયા
Millet Mahotsav: રાજ્યભરના ખેડૂતો, ગ્રાહકો અને નિષ્ણાંતો માટેનો ગતિશીલ મંચ બનશે મિલેટ મહોત્સવ 2025
આ કાર્યક્રમમાં, મિલેટ્સનું ઉત્પાદન કરતા તેમજ પ્રાકૃતિક કૃષિ અપનાવતા રાજ્ય સ્તરના FPO સાથે સંકળાયેલા લગભગ 1000 ખેડૂતો, જાણીતા NGOs અને રાજ્યના શહેરી નાગરિકો સામે થશે. આ કાર્યક્રમમાં અંદાજે 25,000 થી 30,000 મુલાકાતીઓ આવવાની અપેક્ષા છે. તેવી જ રીતે, અન્ય મહાનગરપાલિકાઓમાં યોજાનારા જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં લગભગ 500 ખેડૂતો અને વિષય નિષ્ણાંતો સામેલ લેશે. જિલ્લા કક્ષાના કાર્યક્રમ સ્થળોએ સ્થળ દીઠ લગભગ 20,000 થી 25,000 મુલાકાતીઓ આવવાનો અંદાજ છે. સવારે 9.00 વાગ્યાથી રાતે 9.00 વાગ્યા સુધી ચાલનારો આ બે દિવસીય કાર્યક્રમ, ખેડૂતો, કૃષિ નિષ્ણાંતો, વ્યવસાયો (બિઝનેસ) અને ગ્રાહકો માટે એક ગતિશીલ મંચ તરીકે સેવા આપશે, જ્યાં તેઓને મિલેટ્સ તેમજ પ્રાકૃતિક ખેતીની સંભાવનાઓને એક્સપ્લોર કરવાની તક મળશે.
Millet Mahotsav: પ્રદર્શનો, લાઇવ ડેમોન્સ્ટ્રેશન્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમો
મિલેટ મહોત્સવમાં 125 રાજ્ય-સ્તરીય અને 75 જિલ્લા કક્ષાના સ્ટોલનું પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું છે, જેમાં મિલેટ્સ (જાડું અને બરછટ અનાજ)ના ઉત્પાદનો, પ્રાકૃતિક ખેતી તકનીકો, અને પ્રાકૃતિક કૃષિપેદાશોની એક વિશાળ શ્રેણી પ્રદર્શિત કરવામાં આવશે. વધુમાં, આ પ્રદર્શનમાં, રાજ્ય કક્ષાના 100 અને જિલ્લા કક્ષાના 60 સ્ટોર મિલેટ આધારિત ઉત્પાદનો તેમજ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોને સમર્પિત હશે, જેમાં અનુક્રમે 25 અને 15 લાઇવ ફૂડ સ્ટોલ્સ હશે.
આ સમાચાર પણ વાંચો: Vijay Mallya loan recovery : લ્યો બોલો… કરોડોનું ફુલેકુ કરનાર ભાગેડુ વિજય માલ્યાએ ખખડાવ્યા કોર્ટના દરવાજા, આ મામલે કરી હાઇકોર્ટમાં કરી અરજી…
કાર્યક્રમ દરમિયાન, મિલેટ્સનું મહત્વ, મિલેટ્સના પાકોમાં મૂલ્યવર્ધન, પ્રાકૃતિક ખેતી, ઓર્ગેનિક સર્ટિફિકેશન, અને બાગાયતી પેદાશોનું કેનિંગ વગેરે જેવા વિષયો પર અગ્રણી કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા પેનલ ચર્ચાઓનું પણ આયોજન કરવામાં આવશે. આ સાથે જ, મિલેટ્સ આધારિત રસોઈ, પ્રાકૃતિક ખેતીની તકનીકો અને ફૂડ પ્રોસેસિંગ એટલે કે ખાદ્ય પ્રક્રિયાઓ અંગેના લાઇવ ડેમોન્સ્ટ્રેશન્સ કાર્યક્રમમાં આવનારા મુલાકાતીઓને મૂલ્યવાન આંતરદ્રષ્ટિ પ્રદાન કરશે. પેનલ ચર્ચાઓ અને લાઇવ ડેમો ઉપરાંત, મુલાકાતીઓના મનોરંજન માટે મિલેટ મહોત્સવમાં સાંજે 5.30 થી 7.00 વાગ્યા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લાઇવ બેન્ડ, મેસ્કોટ્સ, તેમજ મહેંદી કલા, ગેમ ઝોન અને કઠપૂતળી જેવા આકર્ષણો સાથેના એન્ટરટેઇનમેન્ટ ઝોનનો સમાવેશ થાય છે.
Millet Mahotsav: ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ટકાઉ કૃષિ પર સતત ભાર મૂકવામાં આવી રહ્યો છે, અને મિલેટ મહોત્સવ 2025નો ઉદ્દેશ, પૌષ્ટિક અને ક્લાઇમેટ-રેઝિલિયન્ટ એટલે કે આબોહવા અનુકૂળ વિકલ્પ તરીકે પરંપરાગત અનાજને બદલે મિલેટ્સ એટલે કે જાડા અને બરછટ અનાજને પ્રોત્સાહન આપવાનો છે. ગુજરાત હંમેશાં કૃષિ ક્ષેત્રે નવીનીકરણમાં અગ્રેસર રહ્યું છે, અને તેથી જ અપેક્ષા છે કે, આ મિલેટ મહોત્સવ ખેડૂતોની આવકમાં વધારો કરશે, મિલેટ્સ પ્રત્યે ગ્રાહકોની જાગરૂકતા વધારશે, અને ભારતને મિલેટ્સ દ્વારા પોષણ સુરક્ષા (ન્યુટ્રિશનલ સિક્યુરિટી) હાંસલ કરવાના લક્ષ્યની વધુ નજીક લઈ જશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed