ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
ગાંધીનગર
6 જુન 2020
ગુજરાતમાં હવે છ વર્ષ પૂર્ણ થયા હશે તેવા જ બાળકને ધોરણ એક માં પ્રવેશ આપવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યનું શિક્ષણ વિભાગ વિવિધ પ્રયોગો દ્વારા ભણતરમાં ફેરફાર કરવાના પ્રયત્નો કરી રહ્યું છે. જે અંતર્ગત શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જે અનુસાર 6 વર્ષથી નીચેના બાળકોને ધોરણ- 1 માં પ્રવેશ ન આપવાનો અમલ વર્ષ 2023-24 થી થશે. આથી હાલમાં પ્લે ગ્રૂપ, જુનિયર-સિનિયર કેજી માં ભણતા બાળકોને અગવડ ન પડે અને અગાઉથી જ વાલીઓને પણ જાણ કરવામાં આવી રહી છે. જેથી વાલીઓ પણ માનસિક રીતે તૈયાર રહે.
સરકારે આ નિર્ણય લેવા પાછળ બીજું પણ એક કારણ જવાબદાર છે તે મુજબ 'રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ' હેઠળ 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જોગવાઈ છે. આ જોગવાઇમાં બાળકોની 6 વર્ષની ઉંમર ને લઇ વારંવાર પ્રશ્નો ઊભા થતા હોવાથી જ રાજ્ય સરકારે 1 જૂનના રોજ પાંચ વર્ષ પૂર્ણ કરી છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરનાર બાળકને શાળામાં પ્રવેશ આપવાનો નિર્ણય લાગુ કર્યો છે.
નોંધનીય છે કે અગાઉ બે અઢી વર્ષના બાળકને જ વાલીઓ પ્લે સ્કૂલમાં દાખલ કરી દેતા હતા. જેને કારણે કુમળી વયના માનસ પર જાણે અજાણે ભણતરનો બોજ પડતો હતો. હવે લેવાયેલા નિર્ણય બાદ બાળકને ત્રણ વર્ષ સુધી ભણતરના ભારથી મુક્તિ મળશે…