News Continuous Bureau | Mumbai
Banaskantha News :
- દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામના કોદાર્વી પરિવારના ૩૦૦ જેટલા સભ્યોને એક સાથે પોતાના ગામમાં પુનર્વસન માટેનો આ એક ઐતિહાસિક પ્રસંગ હશે
- આ પરિવારોની ૮.૫ હેક્ટર જેટલી જમીન અંગે બનાસકાંઠા પોલીસે ડિસ્ટ્રીક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્સ સાથે સંકલનમાં રહીને માપણી કરાવી: ઝાડી ઝાંખરા ઊગીને વેરાન બની ગયેલી આ જગ્યા સમતળ કરી ખેતીલાયક કરી આપી
આદિવાસી સમાજના એક કુરિવાજ ચડોતરુંના કારણે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા મોટા પીપોદરા ગામમાંથી ૧૨ વર્ષ પહેલા હૃદય પર પથ્થર મૂકીને પોતાનું વતન છોડીને ૨૯ કોદાર્વી પરિવારના ૩૦૦ જેટલા સભ્યો આ ગામમાંથી સ્થળાંતર કરીને ચાલ્યા ગયા હતા. આ પરિવારોનું પુનર્વસન ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા કરાવવામાં આવનાર છે. આગામી તા.૧૭ જુલાઈ ૨૦૨૫ના રોજ આદિવાસી સમાજના આ પરિવારોને સંપૂર્ણ માન સન્માન સાથે પોતાના ગામમાં પુનર્વસન માટેનો આ એક ઐતિહાસિક પ્રસંગ હશે.
આદિવાસી સમાજનો એક કુરિવાજ ચડોતરું એટલે કે વેર લેવાની પરંપરા. આ ચડોતરું કુરિવાજને કારણે દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામમાંથી ૧૨ વર્ષ પહેલા સ્થળાંતર કરીને કોદાર્વી સમુદાયના ૨૯ પરિવારોના ૩૦૦ જેટલા સભ્યો પાલનપુર તથા સુરત ચાલ્યા ગયા હતા. મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા પોલીસે આ સમુદાયની વિગતો મેળવીને તેમનો સંપર્ક કર્યો. ગ્રામ પંચાયતના આગેવાનો તથા બંને સમુદાયના આગેવાનો સાથે બેઠકો કરી આ પરિવારોના પુનર્વસન બાદ ગામમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે બેઠકો કરી. આ પરિવારોની આ ગામમાં ૮.૫ હેક્ટર જેટલી જમીન પણ છે. બનાસકાંઠા પોલીસે આ જમીન ક્યાં છે તે જગ્યા અને તેની માપણી સહિતની કામગીરી ડિસ્ટ્રીક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્સ સાથે સંકલનમાં રહીને કરી. ઝાડી ઝાંખરા ઊગીને વેરાન બની ગયેલી આ જગ્યા સમતળ કરી ખેતીલાયક કરી આપી. ઉપરાંત આ પરિવારો માટે હાલમાં બે મકાન તૈયાર કરાવી આપ્યા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના તથા વિવિધ સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓ સાથે મળીને બાકીના ૨૭ જેટલા પરિવારોને પણ ટૂંક સમયમાં મકાન તેમજ અન્ય જીવન જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ બની રહે તે પ્રકારની કામગીરી થઈ રહી છે.
આ સમાચાર પણ વાંચો : MHADA Lottery 2025: પોતાનું ઘર ખરીદવાનું સપનું થશે હવે પુરું, મ્હાડાની નીકળી બમ્પર લોટરી; થાણે, કલ્યાણ-ડોમ્બિવલી, નવી મુંબઈમાં આટલા હજાર ઘર અને પ્લોટ!
આદિવાસી પરિવારોના પુનર્વસનની આ ઐતિહાસિક કામગીરી અંતર્ગત મંત્રી શ્રી હર્ષ સંઘવી આ પરિવારોને માનભેર ગામમાં આવકારશે. સાથોસાથ તેમની જમીન પર પૂજાવિધિ કરી બિયારણ વાવણી થકી આ પરિવારોને પુનઃ આ ગામના એક અંગ તરીકે જોડશે. ત્યાર બાદ મંત્રી શ્રી હર્ષ સંઘવી સ્થળાંતર કરેલા પરિવારો સાથે વાર્તાલાપ કરીને તેમના પુનર્વસન માટેની યોજનાઓ પર ચર્ચા કરશે. તે ઉપરાંત અસરગ્રસ્ત પરિવારોને શિક્ષણ સામગ્રી અને રેશન કિટનું વિતરણ કરશે. આ ઐતિહાસિક પ્રસંગ પુનર્વસન થનાર આદિવાસી પરિવારોના સુખ-શાંતિની નવી શરૂઆતનું પ્રતીક બનશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.