ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 સપ્ટેમ્બર, 2021
શનિવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્ત્વાકાંક્ષી ગણાતા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરવાની થાણે મહાનગરપાલિકાએ તાજેતરમાં જ મંજૂરી આપી દીધી છે. લગભગ દોઢ વર્ષથી જમીન સંપાદનનું કામ અટવાઈ પડ્યું હતું. તેથી લાંબા સમયથી અટવાયેલું કામ પાટે ચઢવાની શક્યતા નિર્માણ થઈ છે ત્યાં તો હવે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) આડી ફાટી છે. મનસેએ ચીમકી આપી છે કે પહેલાં પણ બુલેટ ટ્રેનનું કામ બંધ પાડ્યું હતું. મનસે પહેલાં પણ આ પ્રોજેક્ટના વિરોધમાં હતી અને આજે પણ વિરોધમાં છે. તેથી જો રાજ ઠાકરેની મંજૂરી નહીં લેતાં કામ ચાલુ કર્યું તો બુલેટ ટ્રેનનું કામ થવા દઈશું નહીં એવી ચીમકી મનસેના થાણે જિલ્લાના અધ્યક્ષ અવિનાશ જાધવે આપી છે.
ઓહો! મહારાષ્ટ્રમાં રોડ બનાવનાર કૉન્ટ્રૅક્ટરને 328 કરોડનો દંડ? જાણો વિગત
અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનનું કામ મોટા ભાગનું પૂરું થઈ ગયું છે, પરંતુ મહારાષ્ટ્રમાં થાણે અને પાલઘરમાં જમીન સંપાદનને લઈને ખેડૂતો વિરોધમાં છે. એથી લાંબા સમયથી મહારાષ્ટ્રમાં કામ બંધ છે, ત્યારે હાલમાં જ થાણે મહાનગરપાલિકાએ જમીન સંપાદનનો પ્રસ્તાવ મંજૂર કર્યો છે. જેમાં થાણે પાલિકાના શિળ, ડવલે, પડલે, દેસાઈ, આગાસન, બેતવડે અને મ્હાતાર્ડી ગામમાંથી બુલેટ ટ્રેન પસાર થવાની છે. થાણે પાલિકાની આ પ્રોજેક્ટ માટે 3,849 ચોરસ મીટર જગ્યા જવાની છે.