ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 01, માર્ચ 2022,
મંગળવાર,
અમદાવાદમાં સ્થિત સાયન્સ સિટી એક લોકપ્રિય પ્રવાસન સ્થળ બન્યું છે. વર્ષ ૨૦૨૧-૨૨માં લગભગ ૫ લાખ લોકોએ લીધી સાયન્સ સિટીની મુલાકાત લીધી છે. સાયન્સ સિટીના કેમ્પસમાં તાજેતરમાં જ ત્રણ નવા આકર્ષણોનો ઉમેરો કરવામાં આવ્યો છે, જેમાં એક્વેટિક ગેલેરી, રોબોટિક ગેલેરી અને નેચર પાર્કનો સમાવેશ થાય છે. ૨૮ મીટર લાંબી વોકવે ટનલવાળી એક્વેટિક ગેલેરીમાં વિશ્વભરના જળચરોને સમાવવામાં આવ્યા છે.
૧૫,૦૦૦ સ્ક્વેર મીટર વિસ્તારમાં પથરાયેલી આ ગેલેરી દરિયાઈ જીવસૃષ્ટિને જાણવા અને માણવાની તક આપે છે. એક્વેટિક ગેલેરીમાં ૭૨ નિદર્શન ટેન્ક્સ છે, જેમાં વિશ્વભરની વિવિધ ૧૮૧ જળચર પ્રજાતિઓ જાેઈ શકાય છે. ભારતીય, એશિયન, આફ્રિકન, અમેરિકન વગેરે વિવિધ જળચર પ્રજાતિઓ અહીંયા જાેવા મળશે. રોબોટિક ગેલેરી તમામ પ્રકારના રોબોટ સાથે ભવિષ્યના માણસ અને મશીન વચ્ચેના સંવાદને જાણવા માટેનું ઉત્તમ માધ્યમ છે.
ગેલેરીના પ્રવેશદ્વાર પર ટ્રાન્સફોર્મર રોબોટની એક વિશાળ પ્રતિમા છે. સ્વાગતકક્ષમાં એક સુંદર હ્યુમનાઈડ રોબોટ મુલાકાતીઓને આવકારે છે. અહીંયા મુલાકાતીઓ અલગ-અલગ ક્ષેત્રોમાં ચોક્કસ ઉપયોગ માટે બનાવાવમાં આવેલી રોબોટ્સની ગેલેરીઓ પણ જાેઇ શકે છે. અહીંયાનો બોટુલિટી વિભાગ,જટિલ ક્ષેત્રો જેવાંકે, સ્પેસમાં, સર્જરીમાં,દીવાલ ચડવાની કામગીરીમાં, સંરક્ષણના ઉપયોગમાં, વગેરેમાં રોબોટિક એપ્લિકેશન્સ દર્શાવે છે.આ ઉપરાંત, રોબોટિક ગેલેરીમાં રોબો કાફે પણ છે, જ્યાં મુલાકાતીઓ ભોજનનો અનુભવ લઈ શકે છે. આ કેફેમાં રોબોટ્સ દ્વારા ભોજન પીરસવામાં આવે છે.
ગુજરાત સાયન્સ સિટીમાં ૨૫ એકરથી વધુના વિસ્તારમાં પથરાયેલો એક નેચર પાર્ક પણ છે. નેચર પાર્કની ડિઝાઈન કુદરતી સાંન્નિધ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, જેમાં જળાશયો, ફૂવારા, બાળકોને રમવાની જગ્યા, આઉટડોર નિદર્શનો વગેરે છે. આ પાર્ક મુલાકાતીઓને તેમના વ્યસ્ત જીવનમાંથી બહાર લાવીને પ્રકૃતિના ખોળે બેસવાની તક આપે છે.
આ ઉપરાંત, સાયન્સ સિટીના અન્ય આકર્ષણોમાં અદ્યતન ૩ડી આઇમેક્સ થિયેટર, હોલ ઓફ સ્પેસ અને અન્ય પેવેલિયન્સનો સમાવેશ થાય છે.ઓનલાઇન બુકિંગ સિસ્ટમ ડિજિટલ સાક્ષરતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી સાયન્સ સિટીમાં ઓનલાઈન ટિકિટ બુકિંગ સિસ્ટમ વિકસાવવામાં આવી છે.
મુલાકાતીઓ વેબસાઈટ અથવા મોબાઈલ એપ પર અગાઉથી તેમની ટિકિટ બુક કરાવી શકે છે. સાયન્સ સિટીની ગેલેરીઓના વિવિધ પ્રદર્શનોએ તમામ ઉંમરના લોકોને આકર્ષ્યા છે અને સામાન્ય નાગરિકોમાં વૈજ્ઞાનિક અન્વેષણોને લોકપ્રિય બનાવવામાં સફળ રહ્યા છે.