ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 સપ્ટેમ્બર, 2021
શનિવાર
મહારાષ્ટ્રના અને ગુજરાતના લોકો ટૂરિસ્ટ સ્પૉટ પર જવા માટે હંમેશાં ઉત્સાહિત હોય છે અને એમાં ગુજરાતીઓ તો ખાસ પર્યટન માટે જતા હોય છે. પ્રતિ વર્ષ જમ્મુ-કાશ્મીર ફરવા જનારાની સંખ્યા પણ વધારે છે. જોકે હાલ કોરોનાકાળને કારણે શારીરિક સુરક્ષા નહોતી તેમ જ કાશ્મીરમાંથી ધારા 370 નાબૂદ થઈ ગઈ હોવાને લીધે, કાશ્મીરનું સામાજિક વાતાવરણ ડોહળાયેલું હતું. આ બધી પરિસ્થિતિના લીધે કોઈ કાશ્મીરની મુલાકાત નથી લઈ રહ્યું. હવે જ્યારે કોવિડની અસર ઓસરવા માંડી છે ત્યારે ટૂરિઝમ સેક્ટરની ગાડી ફરી એક વખત પાટા પર લાવવા કાશ્મીર સરકારે કવાયત હાથ ધરી છે. આ કવાયત હેઠળ જમ્મુ-કાશ્મીરના અધિકારીઓ મુંબઈ આવ્યા હતા.
કાશ્મીર વેલીમાં સરકારવિરોધી દળોને મદદ કરતી ઘણી સ્થાનિક સંસ્થાઓથી નારાજ મહારાષ્ટ્ર અને ગુજરાતના પ્રવાસીઓએ હવે કાશ્મીરની મુલાકાત લેવાનું ટાળ્યું છે. આ વાતની જાણ થતાં કાશ્મીર પ્રવાસન વિભાગના નિદેશક ડૉ. જીએન ઇટ્ટુ, જમ્મુ પ્રવાસન વિભાગના નિદેશક વિવેકાનંદ રાય અને ટ્રાવેલ એજન્ટ્સ ઍસોસિયેશન ઑફ કાશ્મીર (TAAK)ના પ્રમુખ ફારૂક કુથુએ મુંબઈના વાય. બી. ચવ્હાણ કેન્દ્રમાં સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને મહારાષ્ટ્રના ટૂરિસ્ટોને જમ્મુ-કાશ્મીરમાં પર્યટન માટે આવવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.
3 મહિનામાં 24 લાખ પ્રવાસીઓ જમ્મુ ગયા
જમ્મુ પ્રવાસન વિભાગના નિદેશક વિવેકાનંદ રાયે આ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે જમ્મુના 95 ટકા લોકોને રસીના બન્ને ડોઝ અપાઈ ગયા છે. હવે ટૂરિસ્ટો જમ્મુ આવવા લાગ્યા છે. તેમણે જણાવ્યું કે આ વર્ષે જૂનમાં 3 લાખ, જુલાઈમાં 10 લાખ અને ઑગસ્ટમાં 11 લાખ ટૂરિસ્ટોએ જમ્મુની મુલાકાત લીધી હતી. રાયે વધુમાં કહ્યું કે ઇતિહાસમાં પ્રથમ વખત 15 ઑગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરમાં ટેલિફોન અને મોબાઇલ સેવા બંધ નહોતી. જમ્મુ હવે પ્રવાસીઓ માટે સંપૂર્ણપણે સલામત પ્રવાસન સ્થળ છે. એથી તેઓએ રજાના દિવસે ફરી અહીં આવવું જોઈએ.
કાશ્મીરના પ્રવાસન વિભાગના નિદેશક ડૉ. જીએન ઇટ્ટુએ જણાવ્યું હતું કે કાશ્મીરમાં જે પણ પ્રવાસી આવી રહ્યા છે, તેમને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી રહી છે. જો કોઈ પ્રવાસી કોરોના ટેસ્ટ વગર પણ આવી રહ્યો હોય તો ત્યાં સરકાર દ્વારા ઝડપી એન્ટિજેન પરીક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી પ્રવાસીને કોઈ તકલીફ ન પડે.
જૂની પરંપરા નિભાવવા માટે આ ટાપુ પર 1,428 ડોલ્ફિનનો ખાત્મો, સમુદ્રકિનારો બન્યો રક્તરંજિત; જાણો વિગત
કાશ્મીરમાં ત્રણ મહિનામાં 1.5 લાખ પ્રવાસીઓ આવ્યા
પ્રવાસન વિભાગના આંકડા અનુસાર આ વર્ષે જૂનમાં 15,254 , જુલાઈમાં 48,858 અને ઑગસ્ટમાં 49,719 પ્રવાસીઓએ કાશ્મીરની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે આવતા સ્થાનિક પ્રવાસીઓમાં મહારાષ્ટ્ર અને ગુજરાતના લોકો સૌથી વધુ છે. આ જ કારણ છે કે કોરોના મહામારી નિયંત્રણમાં આવતાં જ જમ્મુ-કાશ્મીર પ્રવાસન વિભાગે આ રાજ્યોમાંથી સ્થાનિક પ્રવાસીઓને આકર્ષવાનું શરૂ કરી દીધું છે.