National Cooperative University : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આણંદમાં ત્રિભુવન સહકારિતા યુનિવર્સિટીનો શિલાન્યાસ

National Cooperative University : અમિતભાઈ શાહે ગુજરાતમાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટીના શિલાન્યાસ પ્રસંગે સહકારી ક્ષેત્રના ઉજ્જવળ ભવિષ્ય અને તેના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સહકાર મંત્રાલયની સ્થાપના એ ગરીબ અને ગ્રામીણ લોકોના આર્થિક સશક્તિકરણ માટે એક ઐતિહાસિક પગલું છે.

by kalpana Verat
National Cooperative University : Amit Shah lay foundation for India’s first national cooperative university in Gujarat

National Cooperative University :

News Continuous Bureau | Mumbai

૦ સહકારી ધોરણે ટેક્સી સેવા અને વીમા સેવા શરૂ કરવાના આયોજન વચ્ચે આ ક્ષેત્રને જરૂરી કુશળ માનવ સંસાધન આ યુનિવર્સિટીમાંથી મળી રહેશે

૦ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સહકાર મંત્રાલયની સ્થાપના એ ગરીબ અને ગ્રામીણ લોકોના આર્થિક સશક્તિકરણ માટે એક ઐતિહાસિક પગલું

૦ સહકારી ક્ષેત્રના વિકાસમાં રહેલી ખામીઓ ઓળખી અને તેના વિકાસ માટે સાત નવા પગલાં અમલમાં મૂકવામાં આવ્યા છે

૦ સહકારી ક્ષેત્રમાં થતી ભરતીમાં આ યુનિવર્સિટીમાંથી શિક્ષણ લેનારાઓને નોકરી મળશેઃ સગાવાદના આક્ષેપો દૂર થશે

૦ ગુજરાતના શૈક્ષણિક અભ્યાસક્રમમાં સહકારી પ્રવૃત્તિનો સમાવેશ કરવાનું પ્રેરક સૂચન કરતાં શ્રી અમિત શાહ
——–

– મુખ્યમંત્રી શ્રી –

0 ત્રિભુવનદાસ પટેલ યુનિવર્સિટીથી સમગ્ર દેશમાં નવા યુગની સહકારિતા સંસ્કૃતિનું નિર્માણ કરશે

0 સમગ્ર વિશ્વ સમક્ષ ભારતના સહકાર મોડલને સશક્ત રીતે રજૂ કરવાનો દ્રષ્ટિકોણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના પ્રથમ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે અપનાવ્યો છે

0 વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘સહકારથી સમૃદ્ધિ’ના મંત્ર સાથે સહકાર ક્ષેત્રને વિકાસની મુખ્યધારામાં લાવ્યું છે
—–

કેન્દ્રીય સહકાર રાજ્યમંત્રી શ્રી કૃષ્ણ પાલ અને શ્રી મુરલીધર મોહોલ, રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, રાજ્યના સહકાર મંત્રી શ્રી જગદીશભાઇ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષણ નગરી આણંદ ખાતે વિશ્વની પ્રથમ ત્રિભુવન સહકારિતા યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા વર્તમાન બજેટમાં તેની ઘોષણા કરાયા બાદના માત્ર ચાર જ માસમાં આ મહત્વાકાંક્ષી શૈક્ષણિક સંસ્થાન કાર્યાન્વિત થવા જઇ રહ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ જણાવ્યું કે, આગામી દિવસોમાં સહકારી પ્રવૃત્તિનો વ્યાપ વધવાનો છે. સહકારી ધોરણે ટેક્સી સેવા અને વીમા સેવા શરૂ કરવાના આયોજન વચ્ચે આ ક્ષેત્રને જરૂરી કુશળ માનવ સંસાધન આ યુનિવર્સિટીમાંથી મળી રહેશે.

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે ગુજરાતમાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટીના શિલાન્યાસ પ્રસંગે સહકારી ક્ષેત્રના ઉજ્જવળ ભવિષ્ય અને તેના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સહકાર મંત્રાલયની સ્થાપના એ ગરીબ અને ગ્રામીણ લોકોના આર્થિક સશક્તિકરણ માટે એક ઐતિહાસિક પગલું છે. આ મંત્રાલયે દેશભરના ૧૬ અગ્રણી સહકારી નેતાઓ સાથે બેઠકો યોજી હતી અને તેમના મંતવ્યો જાણવામાં આવ્યા હતા. સહકારી ક્ષેત્રના વિકાસમાં રહેલી ખામીઓ ઓળખી અને તેના વિકાસ માટે સાત નવા પગલાં અમલમાં મૂકવામાં આવ્યા છે. સહકારી પ્રવૃત્તિને વ્યાપક બનાવવા માટે આ સાત પહેલ આ ક્ષેત્રને પારદર્શક, લોકતાંત્રિક અને સર્વસમાવેશી બનાવવા માટે છે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપના એ સહકારી ક્ષેત્રની તમામ ખામીઓને દૂર કરવાની એક પહેલ છે. આ યુનિવર્સિટી ૧૨૫ એકરમાં રૂ. ૫૦૦ કરોડના ખર્ચે બની રહી છે અને તે નીતિ નિર્માણ, ડેટા વિશ્લેષણ, સંશોધન અને લાંબા ગાળા માટેની વિકાસ રણનીતિ ઘડવાનું કામ કરશે.

દેશમાં ૪૦ લાખ કર્મચારીઓ અને ૮૦ લાખ બોર્ડ સભ્યો સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે, જેમાં ૩૦ કરોડ લોકો, એટલે કે દેશનો દર ચોથો વ્યક્તિ, આ ચળવળનો ભાગ છે. જોકે, સહકારી કર્મચારીઓ અને સભ્યોની તાલીમ માટે સુવ્યવસ્થિત વ્યવસ્થાનો અભાવ હતો, જે આ યુનિવર્સિટી દૂર કરશે, તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

આ યુનિવર્સિટી ફક્ત પ્રશિક્ષિત કર્મચારીઓ જ નહીં, પરંતુ ત્રિભુવનદાસ પટેલ જેવા સમર્પિત સહકારી નેતાઓ પણ તૈયાર કરશે તેમ કહેતા શ્રી શાહે ઉમેર્યું કે, સહકારી ક્ષેત્રમાં થતી ભરતીમાં યુનિવર્સિટીમાંથી શિક્ષણ લેનારાઓને નોકરીઓ મળશે. આવું થવાથી સહકારી સંસ્થામાં ભરતીમાં લાગતા ભાઈ-ભત્રીજાવાદના આક્ષેપો દૂર થશે અને પારદર્શિતા વધશે. આ યુનિવર્સિટી ટેકનિકલ કૌશલ્ય, હિસાબની કુશળતા, વૈજ્ઞાનિક અભિગમ અને સહકારી સંસ્કારોનું શિક્ષણ આપશે.

આ સમાચાર પણ વાંચો : Gujarat Samras Panchayat : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૭૬૧ સમરસ ગ્રામ પંચાયતોને ૩૫ કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ ડી.બી.ટી.થી ફાળવી

ગૃહ અને સહકારિતા મંત્રીશ્રીએ શ્રી ત્રિભુવનદાસ પટેલના યોગદાનને યાદ કરતાં જણાવ્યું કે તેમણે ૧૯૪૬માં ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની સ્થાપના કરી હતી. જે આજે અમૂલ બ્રાન્ડ તરીકે વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત બ્રાન્ડ બની છે. ૩૬ લાખ મહિલાઓ થકી રૂ. ૮૦ હજાર કરોડનો વ્યવસાય અમૂલ થકી થાય છે. આ પહેલ પોલસન્સ ડેરી દ્વારા થતાં અન્યાય સામેની લડત હતી.

આ યુનિવર્સિટી સહકારી પ્રવૃત્તિને ગ્રામીણ અને શહેરી અર્થવ્યવસ્થાની મુખ્ય ધારા બનાવશે. તે નવીનતા, સંશોધન અને પ્રશિક્ષણને પ્રોત્સાહન આપશે, અને બે લાખ નવી સહકારી મંડળો બનાવવા સહિતની યોજનાઓને જમીન પર ઉતારશે. તેમણે દેશભરના સહકારી નિષ્ણાતોને આ યુનિવર્સિટી સાથે જોડાઈને યોગદાન આપવા આહ્વાન કર્યું હતું અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં આ સર્વસમાવેશ પગલાં માટે સંતોષ વ્યક્ત કર્યો હતો.

તેમણે જણાવ્યું કે, આ યુનિવર્સિટીને ત્રિભુવનદાસ પટેલના નામ આપવાનું યથાર્થ છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજકીય પક્ષાપક્ષીથી પર ઉપર જઇને સહકારી પ્રવૃત્તિમાં તેમના યોગદાનને ધ્યાને રાખીને આ નામાભિધાન કરવામાં આવ્યું હતું. શ્રી ત્રિભૂવનદાસ પટેલ જ્યારે અમૂલમાંથી નિવૃત્ત થયા ત્યારે ૬ લાખ મહિલાઓએ એક-એક રૂપિયો એકત્ર કરી રૂ. ૬ લાખની ભેટ આપી, તે ભેટને પણ તેમણે સેવાકીય પ્રવૃત્તિ માટે દાન કરી દીધી હતી. ડો. વર્ગીસ કુરિયનને તેમણે જ વિદેશમાં વધુ અભ્યાસ માટે મોકલ્યા હતા. ડો. કુરિયનનું પણ યોગદાન મહત્વનું છે.

શ્રી અમિત શાહ, શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો દ્વારા એનસીઇઆરટીના સહકારિતાના પાઠ્યપુસ્કતના બે મોડ્યુઅલનું વિમોચન કરવામાં આવ્યું હતું અને આ મોડ્યુઅલની જેમ ગુજરાતના શૈક્ષણિક અભ્યાસક્રમમાં સહકારી પ્રવૃત્તિનો સમાવેશ કરવા શ્રી શાહે પ્રેરક સૂચન કર્યું હતું.

:: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ::

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, આજનો આંતરરાષ્ટ્રીય સહકારી દિવસના પાવન અવસરે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીના નિર્માણ માટેના ખાતમુહૂર્તનો ઐતિહાસિક પ્રસંગ આણંદની ધરતી પર ઉજવાયો છે. જે ભારતના સહકારી ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ રૂપ છે. આ યુનિવર્સિટી દેશની પ્રથમ સહકારી યુનિવર્સિટી તરીકે સહકાર ક્ષેત્રમાં નવા યુગની શરૂઆત કરશે. આ ઉત્કૃષ્ટ પહેલથી સહકારી ક્ષેત્રને શૈક્ષણિક, સંશોધન અને નીતિ નિર્માણના સ્તરે મજબૂત પાયાઓ મળશે, જે નવા યુગની સહકારિતા સંસ્કૃતિનું નિર્માણ કરશે.

આ યુનિવર્સિટીનો આરંભ એ સહકાર ક્ષેત્રના પ્રેરણાસ્ત્રોત ત્રિભુવનદાસ પટેલને શ્રદ્ધાંજલિ સમાન છે, તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ત્રિભુવનદાસ પટેલએ 1946 માં ખેડા જિલ્લાના દૂધ ઉત્પાદકો અને ખેડૂતોને સંગઠિત કરીને સહકારી ચળવળની નવી દિશા આપી હતી. તેમના દ્રષ્ટિકોણમાંથી ઉદભવેલી આ ચળવળ આજે વૈશ્વિક ઉપક્રમ તરીકે વિકસતી જોવા મળી રહી છે. આ ઐતિહાસિક ભૂમિપૂજન સાથે દેશના સહકારી ઈતિહાસને જીવંત રાખતી નવી પેઢી તૈયાર થવા જઈ રહી છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, સમગ્ર વિશ્વ સમક્ષ ભારતના સહકાર મોડલને સશક્ત રીતે રજૂ કરવાનો દ્રષ્ટિકોણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના પ્રથમ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે અપનાવ્યો છે. તેમનું નેતૃત્વ સહકાર ક્ષેત્રે કેવળ નીતિ ઘડતર પૂરતું નહીં પરંતુ, તેના અમલીકરણ માટે પણ મજબૂત પગલાંઓ લેતું રહ્યું છે. ‘સહકારથી સમૃદ્ધિ’ના મંત્ર સાથે, તેમણે સહકાર ક્ષેત્રને વિકાસની મુખ્યધારા બનાવી દીધું છે.

માત્ર ચાર મહિનાની રેકોર્ડ ગતિએ યુનિવર્સિટી ભવનના ખાતમુહૂર્ત સુધી પહોંચવું એ પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિ અને કાર્યક્ષમતાનું ઉદાહરણ છે, તેમ કહેતા શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, ગુજરાત સરકારે આ યુનિવર્સિટી માટે ૧૨૫ એકર જમીન ફાળવી છે અને એન.ડી.ડી.બી. જેવી સહકારી સંસ્થાઓના ટેકનિકલ સહયોગથી આ યોજના વધુ વ્યાપક બનશે. ભવિષ્યમાં અહીંથી તાલીમબદ્ધ, જાણકાર અને સમર્પિત યુવા નેતૃત્વ તૈયાર થશે તેવી નેમ પણ તેમણે વ્યક્ત કરી હતી.

આ યુનિવર્સિટી વૈશ્વિક સ્તરે સહકારી અભ્યાસ, સંશોધન અને નવીનતાઓ માટે કેન્દ્રસ્થાન બનશે. નવી પેઢીને ક્લાયમેટ ચેન્જ, ડિજિટલ ઈકોનોમી અને ગ્રામ વિકાસ જેવા ક્ષેત્રે સહકાર માળખાને અનુકૂળ બનાવવા માટેનું કૌશલ્ય પણ અહીં વિકસાવવામાં આવશે. ભારતને વિકાસશીલમાંથી વિકસિત દેશ બનાવવાના અભિયાનમાં આ યુનિવર્સિટી ચાલક બળ બનશે, તેવો દ્રઢ વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

તેમણે જણાવ્યું કે, આ યુનિવર્સિટી માત્ર શૈક્ષણિક સંસ્થા નહીં, પણ સહકાર સંસ્કૃતિનું જીવંત પ્રતિબિંબ બનશે. “વિરાસત ભી, વિકાસ ભી” ના વડાપ્રધાનશ્રીના મંત્રને આ યુનિવર્સિટી સાકાર કરી દેશના સહકારી મૂલ્યોને વૈશ્વિક વ્યાપ આપશે.

સહકારી ક્ષેત્ર અન્ય દેશો માટે આર્થિક પ્રવૃત્તિ હશે પણ, સહકારી પ્રવૃત્તિ આપણી પરંપરાનું જીવન દર્શન છે. એકમેકના સહકારથી આગળ વધવાની આપણી પ્રકૃત્તિ છે. ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત એ માત્ર નવી શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટેના પાયાનું સ્થાપન જ નથી પરંતુ સમગ્ર દેશના સહકાર પ્રવૃત્તિ ક્ષેત્રને નવી દૃષ્ટિ સાથે નવા સંકલ્પ, નવી દિશા આપવાનું મહત્વનું માધ્યમ બનશે, તેમ મુખ્યમંત્રી શ્રી પટેલએ જણાવ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય સહકાર રાજ્યમંત્રી શ્રી કૃષ્ણ પાલ અને શ્રી મુરલીધર મોહોલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકર ચૌધરી, રાજયના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, સહકાર રાજ્ય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા, આણંદના સાંસદશ્રી મિતેશભાઈ પટેલ, નડિયાદના સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, આણંદના ધારાસભ્ય સર્વશ્રી યોગેશભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ, સહકાર મંત્રાલયના સચિવ ડૉ. આશિષ કુમાર ભૂટાની, જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી, આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપના, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી, ત્રિભુવન સહકારી યુનિવર્સિટીના કુલપતિ ડૉ. જે. એમ. વ્યાસ, એન.ડી.ડી.બી.ના ચેરમેન શ્રી મિનેશભાઈ શાહ સહિત એન.ડી.ડી.બી. અને ઈરમાના અધ્યાપક તથા પદાધિકારીઓ અને અધિકારીઓ તથા ખેડૂતો અને પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More