ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 9 ડિસેમ્બર 2021
ગુરુવાર
નેશનલ ફેમિલી એન્ડ હેલ્થ સરવે મુજબ ગુજરાત ૩૯ ટકા બાળકો એવા છે જેમની ઊંચાઈ ઉંમર મુજબ વધતી અટકી ગઈ છે તેમજ ૪૦ ટકાનો વજન ઉંમર મુજબ ઓછો છે. જ્યાં સુધી લોહીની ઊણપનો પ્રશ્ન છે તો રાજ્યમાં ૮૦ ટકા બાળકો લોહીની ઊણપથી પીડાય છે. ૬ મહિનાથી ૫૯ મહિના સુધીમાં ૩ ટકા સિવિયર એનેમિયા, ૪૯ ટકા મોડેરેટ અને ૨૮ ટકા માઈલ્ડ એનેમિક છે. સૌથી ગંભીર બાબત એ છે કે પાંચ વર્ષ પહેલા ૬૩ ટકા બાળકો એનેમિક હતા જે વધીને ૮૦ ટકા થયા છે. છેલ્લા બે સરવેની સરખામણી કરતા સ્થિતિ સુધરવાને બદલે વણસી રહી છે અને ગુજરાત હજુ પણ કુપોષિત છે તેમા સુધારો આવ્યો નથી. છેલ્લા એક મહિનામાં જન્મેલા બાળકોની જ વાત કરીએ તો ૩૪૨૩૩૩ બાળકોમાંથી ૫૭૧૨૧ એટલે કે ૧૬ ટકાથી વધુ બાળકો જન્મથી કુપોષિત હતા અને ૨૪૭૧૨ બાળકોને અતિકુપોષિતની શ્રેણીમાં મુકાયા છે. તેથી સગર્ભાઓ સુધી પણ વિભાગ પોષણયુક્ત આહાર અને તેનું મહત્ત્વ કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ પહોંચાડી શક્યું નથી. સંસદમાં કુપોષણને લઈને પ્રશ્ન કરાયો હતો કે ક્યા રાજ્યને કેટલી ફાળવણી કરાઈ છે તેમજ કુપોષણને લડવા શું આયોજન કરાયું છે. જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રીએ જવાબ આપ્યો હતો કે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને છેલ્લા ત્રણ વર્ષમાં ૫૩૧૨ કરોડ રૂપિયા ફાળવ્યા હતા જેમાંથી ૨૯૮૫ કરોડ હજુ વપરાયા છે. ગુજરાતને ૨૯૯ કરોડ ફાળવ્યા હતા તેમાંથી ૨૧૭ કરોડ રાજ્યે ખર્ચ કર્યા છે. કુપોષણ મામલે તેમણે જણાવ્યું હતું કે, સ્ટંટિંગ એટલે કે ઉંમર મુજબની ઓછી ઊંચાઈ ધરાવતા બાળકો ચોથા સરવેમાં ૩૮.૪ ટકા હતા જે ઘટીને ૩૫.૫ ટકા થયા છે જ્યારે ઊંચાઈ મુજબ ઓછા વજન વાળા બાળકો ૨૧ ટકાથી ૧૯.૩ ટકા જ્યારે અન્ડરવેઈટ(ઉંમર મુજબ ઓછું વજન) બાળકોમાં ૩૫.૮ ટકાથી ઘટીને ૩૨.૧ ટકા થયા છે. જાેકે એનિમિયા વિશે કોઇ માહિતી અપાઈ ન હતી.રાજ્યમાં કુપોષણ હાલ સૌથી મોટી સમસ્યા છે. છેલ્લા ૧૫ વર્ષથી રાજ્યમાં પોષણ કાર્યક્રમો ચાલતા હોવા છતાં હજુ પણ કુપોષણ સામે જીત મળી નથી. છેલ્લા ૩ વર્ષના જ આંકડાઓ પરથી અભ્યાસ કરીએ તો પણ કરોડો રૂપિયા મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે ફાળવ્યા છતાં સ્થિતિ હજુ તેવીને તેવી જ છે. રાજ્ય સરકારે પોષણ કાર્યક્રમ હેઠળ ૨૦૧૭થી ૨૦૨૦ સુધીમાં ૫૭૦૪ કરોડ રૂપિયા ખર્ચી નાંખ્યા છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે પણ ૨૯૯ કરોડ રૂપિયાની ગ્રાન્ટ માત્રને માત્ર પોષણ અભિયાન માટે આપી હતી.