ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
21 નવેમ્બર 2020
જુનાગઢના રોપ વેને હાલ પુરતો બંધ કરી દેવામાં આવ્યો છે. પવનનું જોર વધવાના કારણે આ સેવા બંધ કરવી પડી છે. પવનની ગતિ ઓછી થતા જ ફરી એકવાર ગીરનાર રોપ વે સેવા શરુ થવાના એંધાણ છે. અત્રે જણાવવું રહ્યું કે રોપ વે સેવા શરુ થયા બાદ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગુજરાતભરથી અહી પોહ્ચ્યા છે અને હવે પવનના વધેલા જોરના કારણે સેવા બંધ કરી દેવાતા દુરથી આવેલા પ્રવાસીઓ નિરાશ થયાં છે.
દરમિયાન આ સાથે અગાઉ કરેલા, 180 કિમીની ઝડપથી પવન ફૂંકાય તો પણ વાંધો ન આવે તેવા સ્ટ્રકચરના દાવાનો ફિયાસ્કો થયો છે. 45 કિમીની ઝડપે તેજ પવન ફૂંકાવાનું શરૂ થતા જ રોપ વે બંધ કરી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે ગિરનાર ટેમ્પલ રોપ-વેને હજી 24 ઓકટોબરે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીઝીટલી ઉદ્ધાટન કરી ખુલ્લો મુક્યો હતો.
આમ, માત્ર 45 કિમીની ઝડપે પવન ફૂંકાતા રોપ-વે બંધ કરવાની નોબત આવતા પ્રવાસીઓમાં પણ ભય ફેલાયો છે. કારણ કે ગિરનાર પર્વત પર તો શિયાળા અને ચોમાસામાં તેજ ગતિથી પવન ફૂંકાતા જ રહે છે. ત્યારે કોઇ અકસ્માત થવાની શકયતા ઉભી થઇ છે. જોકે રોપવે ફરી ક્યારે કાર્યરત થશે એવી કોઈ જાણકારી મળી ન રહી હોવાથી ઓનલાઈન બુકિંગ કરાવનારા પૈસા પાછાં મળશે કે નહીં તેને લઈને ચિંતિત જોવા મળ્યાં છે.
