News Continuous Bureau | Mumbai
Surat : દાનવીરોની ભૂમિ તરીકે ઓળખાતું સુરત શહેર હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામ્યું છે. આ કડીમાં વધુ એક અંગદાનનો ઉમેરો થયો છે.

ગોડાદરાની બ્રેઈનડેડ યુવતીના બે હાથ, બે કિડની, નાનુ આંતરડું તથા લીવરના દાન થકી ચાર વ્યકિતઓને નવજીવન તથા એક વ્યકિતનુ જીવન બદલાશે.
સુરત શહેરના ગોડાદરા ખાતે રહેતા ૨૪ વર્ષીય પ્રિતીબેન શુકલાને તા.૦૩ જૂનના રોજ બપોરે ૧.૪૨ વાગે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ચારેક દિવસની સારવાર બાદ તા.૭મી જૂનની રાત્રિએ ૨.૦૦ વાગે ન્યુરોસર્જન ડો.પરેશ ઝાંઝમેરા તથા ન્યુરો સર્જન ડો.કેયુર પ્રજાપતિએ બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

પરિવારજનોને સોટોની ટીમના ડો.નિલેશ કાછડીયાએ અંગદાનનું મહત્વ સમજાવ્યું. જેથી સ્વ.પ્રિતીબહેનના ભાઈ તથા સસરાએ અંગદાનની સમંતિ આપતા અંગો સ્વીકારાયા હતા.

આજે બપોરે ૧.૦૦ વાગે બે હાથ અને નાનું આંતરડું એર એમ્બ્યુલન્સ મારફતે મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં તથા લિવર અને બે કિડની અમદાવાદની એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

આમ, શુકલા પરિવારે છ વ્યક્તિઓને નવી જિંદગી બક્ષીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે.
આ સમાચાર પણ વાંચો: Canada News: કેનેડાના જંગલોમાં લાગી ભીષણ આગ, કરોડો પશુ-પક્ષીઓ બળીને ખાખ, લાખો લોકોને ઘર છોડવું પડ્યું, આ દેશમાં પણ જોવા મળી અસર..

સ્વ.પ્રિતીબહેનને ત્રણ વર્ષીય પુત્ર છે.
સિવિલ હોસ્પિટલના સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકર, RMO ડો.કેતન નાયક, પ્લાસ્ટિક સર્જન ડો.નિલેશ કાછડિયા, ડો. લક્ષ્મણ ટહેલયાણી, નર્સિંગ કાઉન્સીલના ઉપાધ્યક્ષશ્રી ઈકબાલ કડીવાલા, નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફે અંગદાનમાં જહેમત ઉઠાવી હતી.
આમ, સિવિલ હોસ્પિટલના સફળ પ્રયાસોના પરિણામે આજે ૨૮મું અંગદાન થયું છે. ટેક્ષટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સિટી તરીકે ઉભરી રહ્યું છે.