News Continuous Bureau | Mumbai
Pahalgam Terror Attack : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા-પુત્રને તેમના ઘરે જઈ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ નંદનવન સોસાયટીમાં રહેતાં યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈ પરમારનું આતંકી હુમલામાં દુ:ખદ અવસાન થયું છે.
તેમના મૃતદેહને મોડી રાત્રે ભાવનગર ખાતે લાવવામાં આવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે શોક સંતૃપ્ત પરિવારજનોને ઘરે જઈ પરિવારજનોને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ સ્વર્ગસ્થ પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
આતંકવાદી હુમલામાં માર્યા ગયેલાં પિતા-પુત્રના મૃતદેહોને ઈન્ડિગોની ફ્લાઈટમાં શ્રીનગરથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ લાવવામાં આવ્યા હતા. અમદાવાદથી રોડ માર્ગે બન્ને મૃતદેહને મધ્યરાત્રીએ ભાવનગર લવાયા હતા.
આ સમાચાર પણ વાંચો : Pahalgam Terror Attack : પહેલગામમાં આતંકી હુમલામાં મૃતકોના આત્માઓની શાંતિ માટે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય સુરતના વિદ્યાર્થીઓએ ભગવાનને પ્રાર્થના કરી, શ્રદ્ધાંજલિ પાઠવી
મુખ્યમંત્રીશ્રીની સાથે કેન્દ્રિય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા, કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા, મેયરશ્રી ભરતભાઈ બારડ, ધારાસભ્યો સર્વ શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રીમતી સેજલબેન પંડ્યા, શ્રી ભીખાભાઈ બારૈયા, શ્રી ગૌતમભાઈ ચૌહાણ, જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનોજકુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, રેન્જ આઇ.જી શ્રી ગૌતમ પરમાર સહિતના અગ્રણીઓએ મૃતક પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ દુ:ખની ઘડીમાં સહભાગી બન્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.