ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 જાન્યુઆરી 2022
મંગળવાર
પાકિસ્તાનની જેલમાં યાતના ભોગવતા ગુજરાત સહિતના ૨૦ ભારતીય માછીમારોનું પરિવાર સાથે મિલન થશે. પાકિસ્તાનની સરકારે રવિવારે સાંજે ગુજરાતના આ માછીમારોને મુક્ત કર્યા છે. પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારો આજે માદરે વતન પહોંચશે. વાઘા બોર્ડર પર પાકિસ્તાન તમામ માછીમારો ભારતીય સુરક્ષા એજન્સીઓને સોંપશે.
પાકિસ્તાની મરીન દ્વારા માછીમારોનું અપહરણ કરાયા બાદ કોઈ બે વર્ષથી તો કોઈ ત્રણ વર્ષથી પાકિસ્તાની જેલમાં બંધ હતા. તમામના પરિવારજનો પોતાના પરિજન પાકિસ્તાનની જેલમાંથી પરત આવે તેની રાહ જાેઈ રહ્યા હતા. બીજી તરફ જેલમાં બંધ માછીમારો પણ પરિવારના વિરહથી દુઃખી હતા. આવશ્યક કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આજે ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા માછીમારોને તેમના માદરે વતન વેરાવળ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. આ 20 પૈકી 19 માછીમારો ગીર સોમનાથના અને 1 પોરબંદરનો રહેવાસી છે. મુક્ત થયેલા 20 પૈકી નવાબંદરનો એક માછીમાર છેલ્લાં 4 વર્ષથી પાકિસ્તાનની જેલમાં કેદ હતો. અન્ય માછીમારોમાંથી કેટલાંક બે તો કેટલાંક ત્રણ વર્ષથી પાકિસ્તાનમાં કેદ હતા.
હવે આ માછીમારો વતન પરત આવવાના છે, ત્યારે માછીમારોના પરિવારોમાં ઉત્સાહ સાથે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. માછીમારો લાંબો સમય જેલમાં રહ્યા બાદ માદરે વતન પરત ફરવાના છે, ત્યારે માછીમાર પરિવારો પોતાના સ્વજનના આવવાની તૈયારીઓ કરી રહ્યા છે. પરંતુ, જે માછીમારો પરત ફર્યા છે તેઓને દુઃખ એ વાતનું છે કે, હજી પણ તેના 580 જેટલા સાથીઓ પાકિસ્તાની જેલમાં સબડી રહ્યા છે. તેઓને વહેલીતકે મુક્ત કરાવી પરત લાવવાની માંગ કરી છે.
