News Continuous Bureau | Mumbai
Porbandar : આજરોજ પોરબંદર લોકસભાના સાંસદ તેમજ શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમતગમત વિભાગના કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષસ્થાને પોરબંદર જિલ્લાના વિવિધ વિકાસ કામો માટે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય અને પંચાયત) હસ્તકના માર્ગ અને મકાન વિભાગના રકમ રૂપિયા 1280.48 લાખ ના કુલ ખર્ચે હાથ ધરાનારા કામગીરીઓના ઇ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. ખાતમુહૂર્ત કાર્યક્રમ પોરબંદર શહેરના રાવલીયા પ્લોટ વિસ્તારમાં આવેલા રાજપૂત સમાજ ભવન ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું કે પોરબંદર જિલ્લામાં હાલ 1500થી 1700 કરોડ રૂપિયાના વિકાસ કાર્યો જે પોરબંદરને નવી દિશામાં આગળ વધારશે. તેમણે જણાવ્યું કે માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરતું નથી, નવી ઉદ્યોગિક શક્યતાઓ અને રોજગાર સર્જવા માટે માનસિકતા બદલવી જરૂરી છે. પોરબંદરની છબી સુધારવી જરૂરી છે અને કાયદો વ્યવસ્થાની કોઈ ખોટ ન રહે એ સુનિશ્ચિત કરવું જોઈએ. પોરબંદરને વિકાસના માર્ગે લઈ જવા માટે જનસહયોગ અનિવાર્ય છે.
મંત્રીએ જણાવ્યું કે વિકાસનો અર્થ માત્ર બાંધકામ નહીં પણ માનવીય વિકાસ પણ છે — જેમ કે આરોગ્ય, શિક્ષણ અને તંદુરસ્તી. તેઓએ સ્વસ્થ નાગરિકને સ્વસ્થ સમાજના આધારસ્તંભ ગણાવ્યા અને સાઇકલિંગના લાભો સમજાવ્યા. તેઓએ પોતાનો ઉદાહરણ આપતા કહ્યું કે તેઓ સંસદમાં સાઇકલ લઈ જતા હતા અને કહ્યું કે જેમ યોગ ફેશન બન્યું છે, તેમ સાઇકલિંગ ને પણ ફેશન બનાવવું પડશે.
દેશભરમાં બધા તાલુકામાં તાલુકા કક્ષાનું સ્પોટ સ્ટેડિયમ અને દરેક જિલ્લામાં જિલ્લા કક્ષાનું મોટું સ્ટેડિયમ બને જેથી દેશનો યુવાન ખેલતો થાય અને ખીલતો થાય તે અગત્યનું છે. તેમણે પોરબંદર શહેરમાં રેલવે કનેક્ટિવિટી સુનિશ્ચિત થાય અને પહેલાની જેમ પોરબંદરને બંદરને પણ ધમધમતુ તે દિશામાં ચાલી રહેલા કામ અંગે પણ માહિતી આપી હતી.
આ સમાચાર પણ વાંચો : Mumbai Metro 1 :ઘાટકોપર-વર્સોવા મેટ્રો લાઇન પર ટેકનિકલ ખામી, વર્સોવા તરફનો ટ્રાફિક ઠપ્પ, મુસાફરોને ભારે હાલાકી.
કેન્દ્રીય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યુ હતું કે, તમારું કામ મત આપી જન પ્રતિનિધિ ચૂંટવાનું હતું તે તમે કર્યું છે પોરબંદરના વિકાસ અને લોક સુખાકારી માટે હવે અમે કામ કરીશું. સાથે એ બાબતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે એક સિક્કાની બે બાજુ એટલે હક્ક અને ફરજ છે આપણી ફરજો આપણે નિભાવવી જ પડશે જો તેમાં આપણે પાછળ નહીં પડીશું તો દેશ અને દુનિમામાં આપણે પોરબંદરને ચમકાવી દેશું.
કેન્દ્રીય મંત્રીશ્રીએ પોરબંદરના રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. સ્ટેશનની કાયાપલટ કરવા તેમજ પોરબંદર અને રાજકોટ વચ્ચે ટ્રેનની ફ્રિકવન્સી વધારવા માટે રેલ વિભાગ પોરબંદરના કર્મચારીઓ સાથે ચર્ચાવિચારણા કરી હતી. તેમજ માળખાગત સુવિધાઓ વધારવાનું સૂચન પણ કર્યું હતું.
ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, “સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. હાલમાં બજાર ભાવ કરતા વધારે એટલે રૂ. 1700ના દરે મગ ખરીદ કરવામાં આવી રહી છે, જ્યારે તેનો બજાર ભાવ આશરે રૂ. 1200 છે. ખેડૂતોને પાકનો ન્યાયસંગત ભાવ મળવાથી તેઓ ખુશ છે અને તેમને સીધા ખાતામાં ચૂકવણી કરવામાં આવી રહી છે.”
રાજ્યકક્ષાનું સાંસ્કૃતિક વન પોરબંદરમાં બનશે અને તેનું ઉદ્ઘાટન 2026માં થશે તે અંગે પણ લોકોને માહિતીગાર કરીને લાગણીવશ થતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો આભાર માન્યો હતો.
હેલ્થ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફિટ ઈન્ડિયા મૂવમેન્ટને આગળ ધપાવતા કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓને સાઇકલ અર્પણ કરવામાં આવી હતી અને કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા સહિતના મહાનુભાવોના હસ્તે માર્ગ અને મકામાર્ગ વિભાગના રૂ. 1280.48 લાખના વિવિધ વિકાસ કામોનું વિકાસકાર્યોનું ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરબતભાઈ પરમાર,પોરબંદર તાલુકા પ્રમુખ શ્રી લીરીબેન ખુટી, રાણાવાવ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મંજુબેન બાપોદરા, કલેકટર શ્રી એસ. ડી. ધાનાણી, જિલ્લા પોલીસ વડા શ્રી ભગીરથસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી બી ચૌધરી, અધિક કલેકટર શ્રી જે.બી વદર સહિતનાં અધિકારીઓ, લોક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.