News Continuous Bureau | Mumbai
President Murmu Gujarat visit :
- નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સરદાર સરોવર ડેમ અને જંગલ સફારી પાર્કની મુલાકાત લેતા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ
- રાષ્ટ્રપતિશ્રીએ ડેમના નિર્માણની સંઘર્ષભરી ગાથા અને ટેક્નિકલ વિગતો મેળવી : જંગલ સફારી પાર્કના વિવિધ પ્રજાતિના પ્રાણી-પક્ષીઓ નિહાળ્યા
- રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને રાજ્યના પ્રોટોકોલ મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા પણ જોડાયા..
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સરદાર સરોવર ડેમ અને જંગલ સફારી પાર્કની મુલાકાત લીધી હતી. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને રાજ્યના પ્રોટોકોલ મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા પણ મુલાકાતમાં જોડાયા હતા.
રાષ્ટ્રપતિશ્રીએ વિંધ્યાચલ અને સાતપુડાની ગિરિમાળાઓના પ્રાકૃતિક સૌંદર્યની મધ્યમાં સ્થિત ઇજનેરી કૌશલ્યના અદ્દભૂત નમૂનારૂપ સરદાર સરોવર ડેમની ભવ્યતા નિહાળી હતી. રાષ્ટ્રપતિશ્રી ડેમના નિર્માણની સંઘર્ષભરી ગાથા અને વિપુલ જળરાશિના સંગ્રહ, કેનાલ નેટવર્ક અને સંગ્રહિત પાણીથી થઈ રહેલા લાભો વિષે માહિતગાર થયા હતા. સરદાર સરોવર નર્મદા નિગમના મેનેજિંગ ડિરેક્ટર શ્રી મુકેશ પુરીએ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને ડેમના કારણે ગુજરાત સહિત આસપાસના રાજ્યો તથા નાગરિકોને થઈ રહેલા ફાયદાઓ વર્ણવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : President Murmu Gujarat visit : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વાગડિયા ગામ સ્થિત એકતા કૌશલ્ય વર્ધન કેન્દ્રની લીધી મુલાકાત, તાલીમાર્થીઓને કર્યા પ્રોત્સાહિત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જંગલ સફારી પાર્કમાં જેગુઆર, એશિયાઈ સિંહ, બેંગાલ ટાઈગર, દીપડો જેવા પ્રાણીઓ તેમજ પક્ષી ઘરમાં રહેલા દેશ અને દુનિયાના વિવિધ પ્રજાતિના પક્ષીઓને નજીકથી નિહાળ્યા હતા. જંગલ સફારી પાર્ક વિષે પાર્કના એજ્યુકેશન ઓફિસર શશિકાંત શર્માએ જાણકારી આપી હતી.
આ વેળાએ SoU ના CEO શ્રી યજ્ઞેશ્વર વ્યાસ, જંગલ સફારીના ડાયરેક્ટર શ્રી બિપુલ ચક્રવર્તી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.