News Continuous Bureau | Mumbai
Raj Thackeray મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે માત્ર એક રાજકારણી જ નથી, પરંતુ એક ઉત્કૃષ્ટ કલાકાર અને સાહિત્ય પ્રેમી પણ છે. તાજેતરમાં તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પોતાના જીવનની એક જૂની અને અત્યંત ખાસ યાદને વાગોળી છે. રાજ ઠાકરેએ જણાવ્યું કે, થોડા દિવસો પહેલા તેમની લાયબ્રેરીમાં પુસ્તક શોધતી વખતે તેમને અચાનક વસંત કાનેટકરના પ્રખ્યાત નાટક ‘સુખ પાહતા’ (Sukh Pahata) નું જૂનું પુસ્તક મળી આવ્યું હતું, જેનું મુખપૃષ્ઠ તેમણે પોતે તૈયાર કર્યું હતું.રાજ ઠાકરેએ પોતાની પોસ્ટમાં ૧૯૮૯ની યાદો તાજી કરતા લખ્યું કે, તે સમયે તેમના સસરા અને જાણીતા નાટ્ય નિર્માતા મોહન વાઘ ઘરે આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વસંત કાનેટકરની ઈચ્છા છે કે તેમના નાટકનું પુસ્તક બહાર પાડવામાં આવે અને તેનું મુખપૃષ્ઠ રાજ ઠાકરે દ્વારા બનાવવામાં આવે. આ તે સમય હતો જ્યારે રાજ ઠાકરે ‘સામના’, ‘માર્મિક’ અને ‘લોકસત્તા’ માટે વ્યંગચિત્રો બનાવતા હતા, પરંતુ નાટકના પુસ્તકનું કવર બનાવવું તેમના માટે એક નવો અનુભવ હતો.
યશવંત દત્તના અભિનયથી પ્રભાવિત થઈને બનાવ્યું કવર
રાજ ઠાકરેએ મુખપૃષ્ઠ બનાવતા પહેલા શિવાજી મંદિર ખાતે નાટક જોવાનું નક્કી કર્યું હતું. તેમણે જણાવ્યું કે, તેઓ અભિનેતા યશવંત દત્તનામોટા પ્રશંસક હતા. નાટકમાં યશવંત દત્તે ભજવેલા છ અલગ-અલગ પાત્રો જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. નાટક જોયા બાદ તેમણે ઘરે આવીને માત્ર એક જ દિવસમાં આ પુસ્તકનું મુખપૃષ્ઠ તૈયાર કર્યું હતું, જે વસંત કાનેટકર અને મોહન વાઘ બંનેને ખૂબ જ પસંદ આવ્યું હતું.
મરાઠી નાટ્યસૃષ્ટિના દિગ્ગજો પાસેથી મળી હતી પહોંચ
રાજ ઠાકરે માટે આ મુખપૃષ્ઠ માત્ર એક કલાકૃતિ નહોતી, પરંતુ મરાઠી નાટ્ય જગતના માપદંડ ગણાતા વ્યક્તિત્વો પાસેથી મળેલા આશીર્વાદ અને સ્વીકૃતિ હતી. તેમણે પોસ્ટમાં લખ્યું છે કે, તે સમયે નાટકોના પુસ્તકો પણ બહાર પડતા અને લોકો હોંશે હોંશે તેને ખરીદીને વાંચતા હતા. આ પુસ્તક ફરીથી મળતા તેમને તે સુવર્ણકાળની યાદ અપાવી દીધી છે.
આ સમાચાર પણ વાંચો : Team India Semifinal Scenario: ટીમ ઈન્ડિયા માટે ‘ઇફ એન્ડ બટ’નું ગણિત શરૂ! દક્ષિણ આફ્રિકા સામે હાર્યા બાદ હવે આ રસ્તે સેમીફાઈનલમાં પહોંચી શકે છે ભારત.
મરાઠી રંગભૂમિ માટે વ્યક્ત કરી સદિચ્છા
પોતાની પોસ્ટના અંતે રાજ ઠાકરેએ ઈચ્છા વ્યક્ત કરી હતી કે, મરાઠી રંગભૂમિ પર હંમેશા ‘હાઉસફુલ’ના બોર્ડ ઝળકતા રહે. તેમણે એવી પણ આશા વ્યક્ત કરી કે જે રીતે લોકો નાટક જોવાનો અનુભવ લે છે, તેવી જ રીતે નાટકના પુસ્તકો વાંચવાનો ક્રેઝ પણ ફરીથી પાછો આવે. રાજ ઠાકરેની આ કલાત્મક બાજુ જોઈને તેમના ચાહકો અને કલાકારોએ સોશિયલ મીડિયા પર તેમની ખૂબ પ્રશંસા કરી છે.