ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 13 ડિસેમ્બર 2021
સોમવાર.
રાજકોટ શહેરમાં ચાર માસ પછી શુક્રવારે એક વૃદ્ધ દર્દીનું કોરોનાથી મૃત્યુ થયાનું સત્તાવાર જાહેર થયું હતું. આ દર્દીએ રસીના બન્ને ડોઝ લીધા હતા અને હરિદ્વારથી પરત આવ્યા બાદ તેઓ સંક્રમિત થયા હતા. તેઓની સારવાર ચાલુ હતી તે દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આમ રસીના બન્ને ડોઝ લીધા પછી પણ મોટી ઉંમર, કોમોર્બિડ સ્થિતિ એટલે કે કોઈ જૂના રોગ હોય તેમના માટે આજે પણ કોરોના ઘાતક બની શકે છે. શાળાઓ શરૂ થઇ છતાં હજુ સુધી બાળકોને કોરોના વેક્સિન આપવામાં આવી નથી. રાજકોટમાં ડિસેમ્બર માસમાં નોંધાયેલા ૧૫ દર્દીઓ પૈકી એક પણ બાળક નથી. પરંતુ જામનગરમાં નોંધાયેલા કેસમાં ૩ બાળકોનો સમાવેશ થાય છે. ખતરાની ઘંટડી વગાડતી વાત એ છે કે અગાઉ માત્ર વૃદ્ધ વયના લોકોને પોઝિટિવ રિપોર્ટ આવતા તે હવે યુવાનોને આવે છે. રાજકોટના ૧૫ પૈકી ૫ દર્દીઓ ૧૮થી ૪૫ વર્ષની વય જુથના છે અને મોટાભાગના દર્દીઓ બહારગામ ફરવા ગયાની હિસ્ટ્રી ધરાવે છે.દિવાળીના તહેવાર અને લગ્ન પ્રસંગની સિઝન બાદ ફરી ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થઇ છે. જાેકે આ બધા વચ્ચે ચિંતાજનક સમાચાર એ પણ છે કે ક્રોરોના વેક્સિનના બંન્ને ડોઝ લેવા બાદ પણ સંક્રમણ વધી રહ્યું છે. રાજકોટમાં શુક્રવારે વેક્સિનેટેડ પોઝિટિવ દર્દીનું મોત પણ થયું છે. ત્યારે વેક્સિનના બે ડોઝ લેનાર વ્યક્તિને હવે વેક્સિનના બુસ્ટર ડોઝની જરૂરિયાત હોવાનું તબીબી સૂત્રો માની રહ્યા છે. રાજકોટમાં છેલ્લા ૧૦ દિવસમાં ૧૫ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. તેમાંથી ૧૧ લોકોએ તો વેક્સિનના બંને ડોઝ પણ લીધા છે. આથી સાવચેત રહેવાની પુરી આવશ્યકતા છે. બીજી તરફ શહેરમાં ઓમિક્રોનનો ભય પણ મંડરાઇ રહ્યો છે. રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગની સત્તાવાર યાદી મુજબ શહેરમાં તમામ લોકોએ રસીનો સિંગલ ડોઝ લઈ લીધો છે અને ૮૭ ટકા લોકોએ રસીના બન્ને ડોઝ લઈ લીધા છે. પરંતુ આમ છતાં પણ છેલ્લા ૧૦ દિવસમાં શહેરમાં કોરોનાના ૧૫ કેસો નોંધાયા છે અને તે પૈકી પાંચ કેસ તો છેલ્લા બે દિવસમાં નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે ૧૫ પોઝિટિવ દર્દી પૈકી ૧૧ દર્દીઓએ રસીના એક નહીં પરંતુ બન્ને ડોઝ લીધા છે એટલે કે તેઓ ફૂલ્લી વેક્સિનેટેડ હતા છતાં કોરોનાની ઝપટે ચડ્યા છે. આધારભૂત તબીબી સૂત્રના જણાવ્યા મુજબ ગત વર્ષની જેમ આ વર્ષે પણ લોકો દિવાળીના તહેવાર અને લગ્ન પ્રસંગોમાં બિન્દાસ બની કોવિડ ગાઇડલાઇન્સ ભૂલી મજા માણી છે. ત્યારે હવે ફરી કોરોનાની રિ-એન્ટ્રી થઈ છે. વેક્સિનેટેડ લોકો સંક્રમિત થાય છે તેઓને માઈલ્ડ સિમટોમ્સ જાેવા મળે છે. પરંતુ તેઓએ પણ કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. ખાસ કરી હવે વેક્સિનના બે ડોઝ લેનાર વ્યક્તિ માટે બુસ્ટર ડોઝ જરૂરી જણાતો હોવાનું પણ તેઓએ ઉલ્લેખ કર્યો હતો અને શાળા કોલેજ શરૂ થતા બાળકો માટે વેક્સિન ઝડપથી શરૂ કરવાની જરૂરિયાત હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.
સ્વાસ્થ્ય જાણકારી: ઉર્જાથી લઈને રોગપ્રતિકારક શક્તિ વધારવા સુધી, જાણો લાલ કેળા ખાવાના ફાયદા વિશે