ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 ફેબ્રુઆરી 2022
ગુરુવાર
ગુજરાતના રાજકોટ શહેરમાં યુવાધનને બરબાદ કરતા માદક પદાર્થનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. જન્મદિવસ,
લગ્નપ્રસંગ કે ખુશીના પ્રસંગોમાં યુવાઓ દારૂની મહેફિલની સાથોસાથ ડ્રગ્સનું સેવન પણ કરતા થયા છે, ડ્રગ્સનું સેવન કરનારાઓ પર પોલીસની તવાઇ હજી સુધી બોલી નથી, પરંતુ રાજકોટ પોલીસે બે વર્ષમાં 73 સ્થળે દરોડા પાડી 2.45 કરોડના ડ્રગ્સ સાથે 130 લોકોને ઝડપી લીધા હતા. પરંતુ બે વર્ષમાં નશાખોરો સુધી કેટલું ડ્રગ્સ પહોંચ્યું તેની કલ્પના કરવી મુશ્કેલ છે. હજારો યુવકો નશેડી બન્યા છે પણ માત્ર ૩૪ જ ડ્રગ્સની લત છોડવા આગળ આવ્યાનું જાણવા મળ્યું છે.
દિવસેને દિવસે નશાખોરોની સંખ્યા વધી રહી છે, કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય મંત્રાલયે ડ્રગ્સના સપ્લાયના દૃષ્ટિકોણથી દેશના 272 શહેરને જોખમી જાહેર કર્યા છે. જેમાં રાજકોટ જિલ્લા પણ શામેલ છે. આ બાબત
સૂચવે છે કે, રાજકોટમાં ડ્રગ્સનું સેવન કરનાર કેટલા લોકો હશે. આ સ્થિતિને ધ્યાને રાખી કેન્દ્ર સરકારે 2020માં ‘નશામુક્ત ભારત’ની જાહેરાત કરી હતી અને ખાસ કરીને ડ્રગ્સનું સેવન કરનારાઓને નશાની લતથી મુક્ત કરાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ માટે પોલીસ, નશાબંધી વિભાગ, સમાજ સુરક્ષા વિભાગ સહિતનાઓને જવાબદારી સોંપવામાં આવી હતી.
રાજકોટ જિલ્લામાં વીરનગરમાં શિવાનંદ મિશન ખાતે ડ્રગ્સ મુક્તિનું કામ થઇ રહ્યું છે, વિવિધ નશામાં ગરક થયેલા લોકો પોતાની રીતે અથવા તો સરકારી તંત્રની ભલામણ અને કાઉન્સેલિંગથી આ કેન્દ્રમાં આવે છે અને અહીં તેની તમામ પ્રકારની સારવાર કરી નશામુક્ત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. નશામુક્ત ભારતની વાતો થઇ રહી છે પરંતુ સ્થિતિ કંઈક અલગ છે. રાજકોટ શહેરમાં હજારો યુવકો ડ્રગ્સનું સેવન કરી રહ્યા છે. શહેરના જંગલેશ્વર, ઘાંચીવાડ, શિવાજીનગર, કાલાવડ રોડ આવાસ, રૈયાધાર વિસ્તાર, જંક્શન પ્લોટ, લક્ષ્મીનગર, સહિતના વિસ્તારોમાં માદક પદાર્થની પડીકીનું જાહેરમાં વેચાણ થતું હોય છે.
રાજકોટ શહેરમાં ડ્રગ્સનો કાળો કારોબાર કરતા તત્વો શાળા-કોલેજના વિદ્યાર્થીઓને પોતાની ચૂંગાલમાં ફસાવી રહ્યા છે. શહેરની કેટલીક ખ્યાતનામ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ ડ્રગ્સની પાર્ટી કરતા હોવાની વાત જગ જાહેર છે, પોલીસે અગાઉ ડ્રગ્સ વેચતા કેટલાક શખસોને પકડ્યા હતા ત્યારે પણ તેઓ ડ્રગ્સની પડીકી વિદ્યાર્થીઓને વેચતા હોવાની કબૂલાત આપી હતી. પોલીસ કમિશનર દ્વારા પણ ડ્રગ્સથી વિદ્યાર્થીઓને બચાવવા અગાઉ શાળા-કોલેજમાં સેમિનાર યોજવામાં આવ્યા હતા.