News Continuous Bureau | Mumbai
Ration Card e-KYC :
- વિવિધ ૬ જેટલા માધ્યમો ઉપરાંત ઘરે બેઠા e-KYC કરવાની સુવિધા
- અત્યાર સુધીમાં કુલ ૩.૧૪ કરોડથી વધુ રેશનકાર્ડ ધારકોનું e-KYC પૂર્ણ
- જૂન માસમાં જથ્થાની ફાળવણી સામે કુલ ૯૩.૪૦ ટકા અનાજ વિતરણ કરાયું
- લાભાર્થીઓનું ડુપ્લીકેશન અટકાવવાના હેતુથી છેલ્લા ૧.૫ વર્ષથી e-KYCની કામગીરી ચાલુ
રાજ્યમાં એક સાચા લાભાર્થીની ઓળખ પ્રસ્થાપિત કરીને તેમને પૂરતો અનાજનો જથ્થો સમયસર મળી રહે તે માટે સરકારે e-KYCનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેથી જરૂરિયાતમંદ સાચા રેશનકાર્ડ ધારકોએ લાભ લેવા માટે e-KYC કરાવવું જરૂરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૩.૧૪ કરોડ એટલે કે ૮૫.૮૦ ટકા NFSA રેશનકાર્ડ ધારકોએ e-KYC પૂર્ણ કર્યુ છે. જેમાં ૫,૭૦,૩૬૩ બાળકો તથા ૯૨,૪૨૧ સભ્યો, ૭૦ વર્ષથી મોટી ઉંમરના લાભાર્થીઓ ઉમેરાતા કુલ ૮૮ ટકા જેટલું e-KYC પૂર્ણ થયું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સતત માર્ગદર્શનમાં રાજ્યભરમાં ચાલુ જૂન માસમાં જથ્થાની ફાળવણી સામે કુલ ૯૩.૪૦ ટકા અનાજ વિતરણ કરાયું છે. સરકાર પાત્રતા ધરાવતા તમામ સાચા રેશનકાર્ડ ધારકોને લાભ આપવા માટે હંમેશા કટિબદ્ધ છે. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓની ખરાઈ કરવા માટે આધાર આધારિત ચકાસણી કરવાની પ્રક્રિયા એટલે e-KYC તેમ,અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું.
મંત્રી શ્રી કુંવરજીભાઇએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે,નામદાર સુપ્રિમ કોર્ટના તા.૧૧ ડિસેમ્બર-૨૦૨૩ અને તા.૧૯ માર્ચ-૨૦૨૪ના હુકમ તથા કેન્દ્ર સરકારના તા.૧૭ માર્ચ-૨૦૨૩ના પત્ર અન્વયે, રાજ્યના રેશનકાર્ડ લાભાર્થીની ખરાઈ કરવા, સાચા લાભાર્થીને લાભો પ્રાપ્ત થાય અને રેશનકાર્ડ લાભાર્થીઓનું ડુપ્લીકેશન ઘટે તે માટે e-KYCની કામગીરી છેલ્લા ૧.૫ વર્ષથી કરવામાં આવી રહી છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્ય સરકારે રેશનકાર્ડ ધારકોના e-KYCની કામગીરી ઘરે બેઠા “My Ration” મોબાઈલ એપ્લિકેશનથી, નજીકનાં મામલતદાર/ઝોનલ ઓફિસ, ગ્રામ પંચાયત ખાતે V.C.E. દ્વારા, વાજબી ભાવનાં દુકાનદારો દ્વારા, શાળા/કોલેજના શિક્ષક અથવા સરકારી કર્મચારી દ્વારા “PDS Plus” મોબાઈલ એપ્લિકેશનથી થાય તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત e-KYCની કામગીરી વધુ ઝડપી અને સરળ રીતે થઈ શકે તે માટે પોસ્ટ વિભાગ મારફત પોસ્ટમેન ઘરે-ઘરે જઈને NFSA હેઠળના રેશનકાર્ડ લાભાર્થીઓનું “PDS Plus” મોબાઈલ એપ્લિકેશન વડે e-KYC કરાવી શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. વધુમાં આધારકાર્ડમાં જરૂરિયાત મુજબનાં સુધારા-વધારા માટે પોસ્ટ વિભાગની મદદથી આધારકાર્ડની વિવિધ રજૂઆતોનું નિરાકરણ લાવવામાં આવે છે.જેનો મહત્તમ લાભ લેવા લાભાર્થીઓને મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Ahmedabad plane crash updates: અમદાવાદ વિમાન દુર્ઘટના: વિમાનના બ્લેક બોક્સને ક્યાં ડીકોડ કરવામાં આવશે;AAIB નક્કી કરશે, સરકારે કરી સ્પષ્ટતા..
મંત્રીશ્રીએ NFSA કાર્ડધારકોને એપ્રિલ, મે અને જૂન-૨૦૨૫માં વિતરણ કરાયેલ જથ્થાની વિગતો આપતાં કહ્યું હતું કે, એપ્રિલ –૨૦૨૫માં વિવિધ કોમોડીટીનું ૯૩.૪૨ ટકા વિતરણ કરાયું છે. કેન્દ્ર સરકાર દ્વારા મે તથા જૂન-૨૦૨૫ના એડવાન્સ ઘંઉ તથા ચોખાના જથ્થાની ફાળવણી કરવાનું જણાવ્યું હોવાથી મે-૨૦૨૫માં કુલ વિતરણ ૮૪.૮૧ ટકા તેમજ જૂન-૨૦૨૫માં ઘંઉ તથા ચોખાના જથ્થાની ફાળવણી સામે કુલ વિતરણ ૯૩.૪૦ ટકા થયુ છે.
આમ, નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ- NFSA : ૨૦૧૩ મુજબ દરેક સાચા લાભાર્થીને અનાજ મળી રહે તે માટે એફ.પી.એસ. સંચાલકો સહિત સમગ્ર પુરવઠા તંત્રએ સરાહનીય કામગીરી કરી છે તેમ, મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.