News Continuous Bureau | Mumbai
Recharge Well Project :
- * વડાપ્રધાનશ્રીએ જન બળ, જન શક્તિને દેશના વિકાસમાં જોડવાની અને સૌના સાથ, સૌના વિકાસની પરંપરા વિકસાવી છે.
- * ‘સીમનું પાણી સીમમાં, ગામનું પાણી ગામમાં’ રહે તેવા મંત્ર સાથે જળ સંચયના કાર્યો કરીએ
- * પાણી બચાવવું એ આપણા સૌની ફરજ: આપણી સનાતન સંસ્કૃતિમાં પાણીને પરમેશ્વરનો પ્રસાદ અને નદીઓને માતાનું સ્થાન મળ્યું
- * વિકસિત ભારત માટે પ્રકૃતિના સંરક્ષણને, રાષ્ટ્રપ્રેમને, જન જાગૃતિને અને ભવિષ્યની પેઢી પ્રત્યેની જવાબદારીને જોડતા સંકલ્પો પૂર્ણ કરીએ
- બનાસકાંઠા જિલ્લામાં ડાર્ક ઝોનની મુશ્કેલી દૂર કરવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં કામ શરૂ કરવામાં આવ્યું છે :કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલ
- વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ બનાસને હંમેશા નવો રાહ ચીંધ્યો છે – અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા હેઠળ ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા અમલમાં મૂકાયેલ “જળ શક્તિ અભિયાન: કેચ ધ રેઇન – ૨૦૨૫” અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં “જળ સંચય જન ભાગીદારી” અભિગમને કેન્દ્રમાં રાખી રિચાર્જ કૂવા નિર્માણના કાર્યનો આજથી શુભારંભ થયો છે.
વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં શરૂ થયેલા “કેચ ધ રેઈન” અભિયાન અંતર્ગત જળ સંચય જન ભાગીદારી નેમ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલ, વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી સહિત મંત્રીશ્રીઓ અને મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ચોડુંગરી ગામ ખાતેથી રિચાર્જ કુવા નિર્માણનો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવોએ જે.સી.બી અને ટ્રેકટરને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવીને રિચાર્જ કુવાનું ઉદ્દઘાટન કર્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જનબળ એટલે કે, જનશક્તિને દેશના વિકાસમાં જોડવાની અને સૌના સાથ, સૌના વિકાસની પરંપરા વિકસાવી છે. ગુજરાતના આજના સર્વગ્રાહી વિકાસના મૂળમાં વડાપ્રધાનશ્રીએ જળશક્તિ, જનશક્તિ, ઊર્જાશક્તિ, રક્ષાશક્તિ અને જ્ઞાન શક્તિનો આપેલો વિચાર છે. વડાપ્રધાનશ્રી હંમેશા કહે છે કે, પાણી એ વિકાસની પહેલી શરત છે. શ્રી નરેન્દ્રભાઇએ જ્યારે મુખ્યમંત્રી પદ સંભાળ્યું ત્યારે ગુજરાતમાં ન તો પૂરતી વીજળી હતી કે ન પૂરતું પાણી. આપત્તિને અવસરમાં અને પડકારોને તકમાં પલટાવવાનું સામર્થ્યશ્રી નરેન્દ્રભાઇએ આપણામાં કેળવ્યું છે. તેમણે જળ સમસ્યાના નિવારણ માટે જનશક્તિને જળસંગ્રહ, જળસંચય, ચેકડેમ-બંધારાના વિરાટ અભિયાનમાં જોડી. તેના પરિણામે ગુજરાત વોટર ડેફિસીટ સ્ટેટમાંથી વોટર સરપ્લસ સ્ટેટ બન્યું. વડાપ્રધાનશ્રીએ આપણને પાણી આવે તે પહેલા પાળ બાંધી લેવાની દિશા આપી છે. એમ પણ મુખ્યમંત્રીશ્રીએ કહ્યુ હતું.
દાંતીવાડા ચોડુંગરી ખાતે જળસંચય જનભાગીદારી અભિયાન હેઠળ રિચાર્જ કૂવા નિર્માણનો માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીના વરદ હસ્તે અને માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર.પાટીલજી તેમજ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી માનનીય શંકરભાઈ ચૌધરીજીની વિશેષ ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો. pic.twitter.com/DvpWIYDza3
— Kirtisinh Vaghela (Modi Ka Parivar) (@kpvaghelabjp) May 30, 2025
સમગ્ર દેશમાં ભૂગર્ભ જળના તળ ઊંચા લાવી શકાય તેવા ઉમદા હેતુથી વડાપ્રધાનશ્રીએ ૨૦૧૯માં રાષ્ટ્રવ્યાપી જળશક્તિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં દેશભરમાં જનભાગીદારીથી જળસંચયના કામો ઉપાડ્યાં છે. બનાસકાંઠામાં ભૂગર્ભ જળના તળ ઊંચા લાવવા રાજ્ય સરકારે લગભગ ૫૦ હજાર રિચાર્જ કૂવા બનાવવાનું આયોજન હાથ ધર્યું છે. એમાં બનાસ ડેરીના સહયોગથી ૨૫ હજાર રિચાર્જ કૂવા બનવાના છે. બનાસ ડેરીની આ પ્રતિબદ્ધતા માટે મુખ્યમંત્રીએ શ્રી શંકરભાઈ ચૌધરી અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘સીમનું પાણી સીમમાં, ગામનું પાણી ગામમાં’ રહે તેવો મંત્ર આપીને રાજ્યમાં તમામ સ્તરે જળ સંચયના કામો જનભાગીદારીથી શરૂ કરાવ્યા છે.
ચોમાસાના વહી જતાં પાણીને જળ સંચય અને જળ વ્યવસ્થાપનના પ્રયાસોથી અટકાવીને જમીનમાં ઉતારીને ભૂગર્ભ જળસ્તર ઉંચા લાવવા, સિંચાઇ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવા, ખેત ઉત્પાદનમાં વધારો કરવાના મુખ્ય ઉદ્દેશ સાથે આપણે કૂવા રિચાર્જ નિર્માણ માટેનું અભિયાન શરૂ કર્યું છે. તેમ શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ હતુ.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આપણી સનાતન સંસ્કૃતિમાં પાણીને પરમેશ્વરનો પ્રસાદ અને નદીઓને માતાનું સ્થાન મળ્યું છે. એટલું જ નહીં, કૃષિના ઋષિ એવા ખેડૂતો કૃષિક્રાંતિ કરી શકે તે માટે પણ જળસિંચન મહત્વનું અંગ છે. પ્રાકૃતિક ખેતી- સૌ સમસ્યાઓનું સમાધાન છે. રાજ્યમાં પૂરતું પાણી મળવાથી ખેતી અને ખેત ઉત્પાદન પણ વધ્યાં છે. આપણે ખેતીને વધુ સમૃદ્ધ બનાવવા રાસાયણ ખાતર મુક્ત ખેતી, પ્રાકૃતિક ખેતી પર ફોકસ કર્યું છે. રાસાયણિક ખાતરના ઉપયોગથી જમીન અને માનવી બન્નેનું સ્વાસ્થ્ય બગડે છે. આજે નાની વયે બી.પી, સુગર, હાર્ટઅટેક જેવા ગંભીર રોગોનું પ્રમાણ વધી રહ્યું છે.વડાપ્રધાનશ્રીએ આ સ્થિતિ સુધારવા માટે ‘બેક ટુ બેઝિક’ નો મંત્ર આપ્યો છે. અને પ્રાકૃતિક ખેતીની મૂહિમ ઉપાડી છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત માટે પ્રકૃતિના સંરક્ષણને, રાષ્ટ્રપ્રેમને, જનજાગૃતિને અને ભવિષ્યની પેઢી પ્રત્યેની જવાબદારીને પણ જોડતા સંકલ્પો આપણને આપ્યા છે. પર્યાવરણને અનુકૂળ રહીને સર્વાંગી વિકાસનો માર્ગ ચીંધી તેમણે જળ સંચયની સાથે ગ્રીનકવર વધારવા માટે ‘એક પેડ માં કે નામ’ જેવા જન અભિયાન શરૂ કરાવ્યા છે. વોકલ ફોર લોકલના મંત્રથી સ્વદેશી ઉત્પાદનને વેગ આપવાનો રાહ પણ વડાપ્રધાનશ્રીએ ચીંધ્યો છે. પ્રાકૃતિક ખેતીને અપનાવી ભવિષ્યની પેઢીના સ્વાસ્થ્યને જાળવવાની દિશા તેમણે દર્શાવી છે. આવા સંકલ્પો દ્વારા વિકસિત ભારત@૨૦૪૭ના નિર્માણનું તેમણે આહવાન કર્યુ છે. આજનો આ જળસંચય માટેનો આપણો પ્રયાસ આવનારી પેઢીને વધુ જળ સુરક્ષા પૂરી પાડશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Trump Tariff War : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક ટેરિફ બોમ્બ ફોડ્યો, સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર આટલો ગણો વધાર્યો ટેરિફ…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઓપરેશન સિંદૂરની જ્વલંત સફળતા માટે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા દેશની સૈન્ય શક્તિને અભિનંદન પાઠવીને જણાવ્યું હતું કે, આ ઓપરેશનની સફળતાથી આપણા સૈન્યબળની બહાદુરી અને શૌર્યને દેશભરનું જનબળ તિરંગા યાત્રાથી બિરદાવી રહ્યું છે. ત્યારે આપણે સૌ પણ દેશના જવાનોનું ભારત માતા કી જયના નારાથી સન્માન કરીએ એમ ગર્વભેર જણાવ્યું હતું.
કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલે જણાવ્યું કે, દેશમાં ૧૮% પશુઓ છે. જેમાં બનાસકાંઠામાં સૌથી વધુ પશુઓ છે. આ પશુ તેમજ જીવન સૃષ્ટિ માટે પાણી અગત્યનું પરિબળ છે. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે દેશમાં ૪% પીવાનું પાણી ઉપલબ્ધ છે. દેશમાં પાણીની વાત કરીએ તો ૭૦૦ પૈકી ૧૫૦ જિલ્લા ડાર્ક ઝોનમાં આવે છે, જેમાં ઉત્તર ગુજરાતનો સૌથી મોટો જિલ્લો બનાસકાંઠા પણ ડાર્ક ઝોનમાં આવેલ છે. બનાસકાંઠા જિલ્લાને ડાર્ક ઝોનમાંથી બહાર નીકાળવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં છેલ્લા ૧ વર્ષથી કામ કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં પાણીના બચાવ માટે દેશભરમાં અમૃત સરોવર, નર્મદા યોજના, સૌની યોજના જેવી વગેરે યોજના દ્વારા અવિરત કામ કરવામાં આવી રહ્યું છે. ભારત દેશના પૂર્વ વડાપ્રધાનશ્રી અટલજી કહેતા હતા નદીઓને જોડવી જોઈએ. શ્રી અટલજીના સ્વપ્નને દેશના વડાપ્રધાનશ્રી પૂર્ણ કરી રહ્યા છે. નર્મદા, સાબરમતી અને કચ્છની નદીઓ સાથે જોડાણ માટે કામ થઈ રહ્યું છે. સાથે રાજસ્થાન, મધ્યપ્રદેશમાં ત્રણ નદીઓને જોડવા માટે ૭૭ હજાર કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. વડાપ્રધાનશ્રીએ જોયેલ વિકસિત ભારત ૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા માટે પાણીની જરૂરિયાત પૂર્ણ કરવા માટે ડેમ બનાવવા કરતા “કેચ ધ રેઇન” અંતર્ગત વરસાદનું પાણી સંગ્રહ કરીને ભૂગર્ભ જળમાં પાણીને ફરીથી સંગ્રહ કરવાની તાકીદ છે.
આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પાણીથી ઝઝૂમતા દેશના ડાર્ક ઝોનમાં આવેલા જિલ્લાઓને બહાર લાવવા માટે બીડું ઝડપ્યું છે ત્યારે ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાની સૌથી પહેલા પસંદગી કરવામાં આવી છે. ખેતરનું પાણી ખેતરમાં તથા સીમનું પાણી સીમમાં રહે તે માટે બનાસ ડેરીએ બીડું ઝડપ્યું છે. બનાસ ડેરી જિલ્લામાં ૨૫ હજાર રિચાર્જ કુવા બનાવશે જેમાં ૫૦ ટકા સહાય બનાસ ડેરી દ્વારા ખેડૂતોને આપવામાં આવશે. ધરતીમાં વધુમાં પાણી ઉતારી શકાય તે માટે આપણે સૌકોઈ પ્રયાસ કરવા જોઈએ. તેમણે કહ્યું કે, આગામી ૪ વર્ષ આ અભિયાન ચલાવીએ તથા આગામી ૧૦ વર્ષનું આયોજન કરીએ તે મુજબ કામ કરવા જણાવ્યું હતું. બનાસકાંઠાને હરિયાળો બનાવવા માટે બનાસ ડેરી દ્વારા પર્વતો પર સિડ બોલ ફેંકીને પર્વતોને હરિયાળા બનાવવા માટે કામ કર્યું છે. તેમણે ઓપરેશન સિંદૂરની સફળતા અંગે વાત કરી હતી.
જળ શક્તિ મંત્રાલયના એમ.ડી શ્રી અર્ચના વર્માએ જળ શક્તિ મંત્રાલય દ્વારા કરવામાં આવેલી કામગીરી વિશે ઉપસ્થિતોને માહિતી આપી હતી તથા બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલએ પ્રારંભિક શાબ્દિક સ્વાગત કર્યું હતું.
આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત, રાજ્ય ગૃહ મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, સાંસદશ્રી ભરતભાઈ ડાભી, શ્રી બાબુભાઈ દેસાઈ, સર્વે ધારાસભ્યશ્રી અનિકેતભાઇ ઠાકર, શ્રી કેશાજી ચૌહાણ, શ્રી સ્વરૂપજી ઠાકોર, શ્રી માવજીભાઈ દેસાઈ, જળ શક્તિ એમ.ડી શ્રી અર્ચના વર્મા, જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે, બનાસ બેન્કના ચેરમેનશ્રી ડાહ્યાભાઈ પીલીયાતર, બનાસ મેડિકલ કોલેજના ચેરમેનશ્રી પી.જે.ચૌધરી, પૂર્વ ગૃહ મંત્રીશ્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ સાંસદશ્રી પરબતભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ અનાવડીયા સહિત વિવિધ અધિકારીશ્રીઓ, મહાનુભાવો અને બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)