ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
09 ઓક્ટોબર 2020
ક્યારેક કહેવાતું સુરત સોનાની મુરત.. હાલના દિનોમાં સુરતના ડુમસ માં બનેલાં એવા જ એક કિસ્સાએ આ કહેવત યાદ અપાવી.. ડુમસ બીચના કાદી ફળિયાથી એરપોર્ટ તરફ જતા રોડ અને ઝાડીઓમાં સોનાના સિક્કા મળી રહ્યા હોવાની અફવાને પગલે બુધવાર રાતથી જ અહીં સોનું શોધવા માટે લોકોએ દોટ મૂકી હતી. મોટી સંખ્યામાં સ્ત્રી-પુરુષો યુવાનોને અહીંથી ચતુષ્કોણ આકારના પીળા ધાતુના સિક્કા મળી આવ્યા હોઇ, ગુરુવારે સવારે પણ સોનું શોધવા માટે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. જોકે પોલીસે આ પીળા પતરાને સોની પાસે ચેક કરાવતાં તે નકલી અને બાળકોને રમવા માટેના પતરાંના સિક્કા હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ, સોનુ શોધવા આવેલાં લોકો ભોંઠપ અનુભવતાં પરત ફર્યા હતા.
વાસ્તવમાં બન્યું હતું એવું કે મંગળવારની રાત્રે ડુમસ બીચ કાદી ફળિયાના યુવાનો ઓવારાથી એરપોર્ટ તરફ જતાં અંતરિયાળ રસ્તા ઉપર વોકિંગ માટે નીકળ્યા હતાં. ત્યારે, રોડ ઉપરથી પીળા ધાતુના સિક્કા મળી આવ્યા હતા. બે ખજૂરના ઝાડ ક્રોસ કરતાં હોય તેવી ડિઝાઇનવાળા અને પીળી ધાતુના મળેલા સિક્કાઓએ ભારે કુતૂહલ સર્જ્યું હતું. લોકો તેને આ પીળી ધાતુને સોનાના સિક્કા માની બેઠા.. થોડી વારમાં તો આ વાત ડુમસ ગામમાં પ્લેગની જેમ ફરી વળી. સોનાના સિક્કા મળતા હોવાની વાતે ગામના સ્ત્રી-પુરુષોએ દોટ મૂકી હતી. કેટલાક તો બાઇક અને મોપેડ ઉપર પરિવારના બાળકોને લઈને સિક્કાની લાલચે દોડી આવ્યા હતા.
અફવાએ બીજા દિવસે પણ પોતાનું કામ જારી રાખ્યું હતું. છેવટે વાત ડુમસ પોલીસ સ્ટેશન સુધી પહોંચતાં પોલીસ દોડી આવી હતી. પોલીસે આ સિક્કાને સોનીને બોલાવી ટેસ્ટ કરાવતાં તે સોનું નહિ પરંતુ પીળી ધાતુના પતારાના બાળકોને રમવાના નકલી સિક્કા હોવાનું જણાવતાં લોકોનો ઉત્સાહ પડી ભાંગ્યો હતો. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે તે સોનું નહિ પરંતુ પતરું નીકળ્યું હતું. તેની ઉપરની ડિઝાઇન જોતાં તે સાઉદીમાં બાળકોને રમવા માટેના કોઇન હોઇ શકે. અને કોઈ બહારગામથી લાવનાર વ્યક્તિએ અહીં ફેંકી દીધા હોઇ શકે. જેને લોકો સોનું સમજી બેસતાં અફવા ફેલાઇ હતી.