News Continuous Bureau | Mumbai
- પાલીગામ તથા સચિન GIDC વિસ્તારના ૮૦થી વધુ CCTV કેમેરા ચેક કરી બાળકીને ગુમ થયાના ચાર કલાકમાં ભાળ મેળવી લીધી
- દીકરી સાથે માતા અને પરિવારજનોનું મિલન થતા પોલીસ સ્ટેશનમાં ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા
Sachin GIDC Police: સચિન GIDC વિસ્તારથી ગુમ થયેલી અઢી વર્ષની દીકરી કુહુ પટેલને સચિન GIDC પોલીસે ગણતરીની કલાકોમાં શોધી કાઢી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યુ હતું. પાલીગામ તથા સચિન GIDC વિસ્તારના ૮૦થી વધુ CCTV કેમેરા ચેક કરી બાળકીને ગુમ થયાના ચાર કલાકમાં ભાળ મેળવી બાળકીને સુરક્ષિત રીતે તેના પરિવારને સોંપી હતી.
સચિન GIDC વિસ્તારના ગીતાનગર વિભાગ-૦૧માં રહેતા જયપ્રકાશ પટેલની અઢી વર્ષની દિકરી કુહુ બપોરના બે વાગ્યાના અરસામાં ઘરનો દરવાજો ખૂલ્લો રહી જતા રમવા માટે ઘર બહાર નીકળી ગઈ હતી. રમતા-રમતા બાજુની સોસાયટીથી નીકળી એક કિલોમીટર જેટલા અંતરે આવેલ રિક્ષા સ્ટેન્ડ સુધી પહોંચી ગઈ હતી. ઘરમાં દિકરી ન મળતા માતાએ આકુળ-વ્યાકુળ થઈ આસપાસ શોધખોળ કરી હતી. છતા કોઈ ભાળ ન મળતા અંતે પરિવારે પોલીસ મથકે જઈ સમગ્ર હકીકત વર્ણવી હતી. પોલીસે સમગ્ર મામલે ગંભીરતા દાખવી અલગ અલગ ટીમો બનાવી બાળકીને શોધવાની તજવીજ હાથ ધરી હતી અને માત્ર ચાર કલાકમાં શિવનગર નજીક રિક્ષા સ્ટેન્ડ, સચિન GIDC તલંગપુર રોડ, કૃષ્ણનગર પાસેથી બાળકીને શોધી કાઢવામાં સફળતા મેળવી હતી.
આ સમાચાર પણ વાંચો: Rail Coach Restaurant: યાત્રીઓને થશે એશિયન ભોજનનો નવો સ્વાદ મળશે, પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળમાં ‘રેલ કોચ રેસ્ટોરન્ટ’નો શરુઆત
Sachin GIDC Police: પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત અને સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર-૨, પોલીસ કમિશનર ઝોન-૬ તેમજ એ.સી.પી.’આઈ’ ડિવીઝનના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેક્ટર કે.એ.ગોહિલ તથા તેમની ટીમે સર્વેલન્સ સ્ટાફની મદદથી તાત્કાલિક અલગ અલગ ચાર ટીમો બનાવી હતી. સી.સી.ટીવી કેમેરા ચેકિંગ, ટેક્નિકલ વર્કઆઉટ તથા હ્યુમન સોર્સિસના આધારે સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ સચીનકુમાર હસમુખલાલે દિકરીને શોધી કાઢી હતી.
સચિન GIDC પોલીસ સ્ટાફ ટીમે સજાગતા, ટીમવર્ક અને કુશળતાથી પટેલ પરિવાર સાથે દીકરીનું સુખદ પુન:મિલન કરાવ્યું હતું. દીકરી સાથે માતા અને પરિવારજનોનું મિલન થતા પોલીસ સ્ટેશનમાં ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.