ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
03 ડિસેમ્બર 2020
રાજ્યમાં માસ્કને લઇને ગઇ કાલે ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપ્યો હતો કે માસ્ક વગર ફરનારા લોકોએ કોવિડ કેર સેન્ટરોમાં કોમ્યુનિટી સેવા આપવી પડશે. જેને લઇને આજે રાજ્ય સરકારને જાહેરનામુ બહાર પાડવા આદેશ આપ્યો હતો. પરંતુ રાજ્ય સરકારે હાઇકોર્ટના નિર્ણયને લઇને સુપ્રીમમાં અપીલ કરી હતી. ત્યારે હવે સુપ્રીમ કોર્ટે (SC) ગુજરાત હાઇકોર્ટના ચુકાદા પર સ્ટે મૂકી દીધો છે.
ગુજરાત હાઈકોર્ટના માસ્ક અંગેના આદેશ સામે સુપ્રીમને વિનંતી કરી હતી કે માસ્કના આદેશનુ પાલન કેવી રીતે કરવું તે સમજ પડતી નથી. આથી હવે સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી છે અને કહ્યું છે કે, કેન્દ્રની ગાઇડલાઇનનું પાલન થવું જોઇએ. તેમજ દરેક વ્યક્તિએ નિયમોનું પાલન કરવું જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે કોરોના મુદ્દે સુઓમોટો અરજી બાદ ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, ગુજરાતમાં માસ્ક નહિ પહેરનારા લોકોને કોવિડ કેર સેન્ટરમાં ફરજિયાત કોમ્યુનિટી સર્વિસ કરવી પડશે. રાજ્ય સરકારને આ મુદ્દે જાહેરનામુ બહાર પાડવા હાઈકોર્ટે હુકમ કર્યો છે. સાથે જ માસ્ક ન પહેરનારા વ્યક્તિની ઉંમર લાયકાત અને બાકીની બાબતોને ધ્યાને લઇને કોમ્યુનિટી સર્વિસ માટેની યોગ્ય જવાબદારી સોંપવાની રહેશે. માસ્ક નહીં પહેરનાર વ્યક્તિને રોજના પાંચ થી છ કલાક કોમ્યુનિટી સર્વિસ કરવી પડશે.