ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
30 ડિસેમ્બર 2020
મહાબળેશ્વર, પંચગની અને આસપાસના હિલ સ્ટેશનનો સમાવેશ મુંબઈગરાઓના સૌથી ફેવરિટ હિલ સ્ટેશનમાં થાય છે. મહાબળેશ્વરમાં ક્રિસમસ વેકેશનની ઉજવણી માટે બહારથી આવનારા પ્રવાસીઓને ધ્યાનમાં લઈ ગઈ કાલે જ કલેક્ટરે થર્ટીફર્સ્ટ નાઇટનું કરફ્યુ લગાવી દીધૂ છે. કલમ 144 લાગુ કરવામાં આવી છે.
જેથી અહીં ઉજવણી કરવા માટે બુકિંગ કરાવનારાઓએ આવવાનું માંડી વાળ્યું છે. લોકો હોટેલ અને બંગલાના બુકીંગ રદ્દ કરાવી રહયાં છે. લૉકડાઉનના લાંબા સમય બાદ અહીં છેલ્લા બે મહિનાથી સીઝન જામી રહી હતી ત્યારે જ અચાનક કરફ્યુ લગાવાતાં પર્યટકો પર નભતા આ હિલ સ્ટેશનના વ્યાવસાયિકોમાં નિરાશા વ્યાપી ગઈ છે.
મહાબળેશ્વર હિલ સ્ટેશન સાતારા જિલ્લામાં આવે છે. અહીંના કલેક્ટરએ થર્ટીફર્સ્ટ માટે મોટા પ્રમાણમાં પર્યટકો આવવાથી કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતાને લઈ 31 ડિસેમ્બરની રાત્રે 10 વાગ્યે માર્કેટ અને 11 વાગ્યે હોટેલો બંધ કરવાનો આદેશ જારી કર્યા છે.
આ વર્ષે હોટલો દ્વારા કોરોનાને લીધે મોટાં આયોજન નથી કરાયાં, પરંતુ ફૅમિલી દ્વારા પ્રાઇવેટ કાર્યક્રમનું સારું એવું બુકિંગ થયું છે. 25 અને 26 ડિસેમ્બરે ક્રિસમસમાં મહાબળેશ્વરમાં સારી એવી ભીડ જોવા મળી હતી.
જો આદેશોનું પાલન કરવામાં નહીં આવે અને કોઈ હોટલ અથવા રેસ્ટોરન્ટ તેનું ઉલ્લંઘન કરતી જોવા મળે છે, તો તે આગામી સાત દિવસ માટે બંધ રહેશે અને માલિક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. એમ પણ કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે.