ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 નવેમ્બર 2021
શનિવાર.
કૃષિ કાયદાને લઈને કેન્દ્રીય મંત્રીમંડળમાંથી શિરોમણી અકાલી દળના નેતા હરસિમરત કૌરે રાજીનામું આપી દીધું હતું. કૃષિ કાયદાને લઈને ભાજપથી દૂર થઈ ગયેલું શિરોમણી અકાલી દળ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કૃષિ કાયદાને પાછા ખેંચવાની જાહેરાત બાદ શું ભૂમિકા અપનાવશે તેના પર સૌ કોઈની નજર હતી. એવા સમયે શિરોમણીએ તેઓ ભાજપ સાથે પાછું ગઠબંધન નહીં બાંધે એવી જાહેરાત કરી છે.
તો કૃષિ કાયદાને કારણે રાજીનામું આપનારા હરસિમરતે કાયદો પાછો ખેંચવાની જાહેરાત બાદ આ પગલાને ઐતિહાસિક ગણાવ્યું હતું. તેમ જ તેમણે કહ્યું હતું કે 800 શહીદ થયેલા ખેડૂતોને યાદ કરવાનો દિવસ છે, જેમણે આ કાયદા માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી.
તો જે કાયદા માટે ભાજપ સાથે ગઠબંધન તોડવામાં આવ્યું હતું તે કાયદો પાછો ખેંચાતા ભાજપ સાથે ફરી જોડાણ કરવાની શકયતાને શિરોમણી અકાલી દળે નકારી કાઢી હતી. અકાલી દળના અધ્યક્ષ સુખબીર બાદલે કહ્યું હતું કે મોદી સરકાર જે કાળા કાયદા લાવી હતી તે તેમને પાછા લેવા પડયા છે. ખેડૂતો આ કાયદાને કોઈ દિવસ નહીં માને એ અમે શરૂઆતથી કહી રહ્યા હતા, જે વાત સાચી પડી છે.