ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ઓક્ટોબર, 2021
મંગળવાર.
સોમવારના મહાવિકાસ આઘાડી સરકારના ત્રણે પક્ષો દ્વારા જાહેર કરવામાં આવેલા મહારાષ્ટ્ર બંધને પગલે થયેલા નુકસાનીનું વળતર ત્રણે પક્ષો પાસેથી કરવાની માગણી સાથે ભાજપ કોર્ટમાં જવાનું છે ત્યારે ભૂતકાળનો એક કિસ્સો યાદ આવે તેવો છે. 2003માં શિવસેના પ્રમુખ બાળ ઠાકરેએ બંધ જાહેર કર્યો હતો, તેને માટે થઈને તેમને કોર્ટના પગથિયા ચઢવાની નોબત આવી હતી. શિવસેનાને તેમણે જાહેર કરેલા બંધને પગલે હાઈ કોર્ટે 20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. શિવસેનાએ તેને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કર્યો હતો. જોકે સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટના ચુકાદાને કાયમ રાખ્યો હતો. 2003માં જાહેર કરેલા બંધ બદલ વળતર ચુકવ્યા બાદ કદાચિત શિવસેના પ્રેરિત આ પહેલો બંધ છે. ત્યારે આ બંધ માટે પણ તેમને દંડ ચૂકવવો પડશે કે એવા સવાલે ચર્ચા પકડી છે.
2003ના બંધની જાહેરાતને પગલે શિવસેનાના સુપ્રીમો બાળ ઠાકરેને કોર્ટના પગથિયા ચઢવાની નોબત આવી હતી. 23 જુલાઈ 2004 બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એ.પી. શાહ અને જસ્ટિસ એસ.યૂ.કામદારની ખંડપીઠે શિવસેના અને ભાજપ બંનેને 20-20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. શહેર બંધ રાખવાને કારણે થયેલા નુકસાની બદલ વળતર વસૂલવાની સાથે જ તેમને આકરા શબ્દોમાં ઠપકો પણ આપવામાં આવ્યો હતો.
ડિસેમ્બર 2002માં ઘાટકોપરમાં બોમ્બ સ્ફોટ થયો હતો તેના વિરોધમાં 30 જુલાઈ 2003ના શિવસેના-ભાજપે બંધ જાહેર કર્યો હતો. આ પ્રકરણમાં બિનસામાજિક સંસ્થાએ મુંબઈ હાઈકોર્ટમાં અરજી કરી હતી. રાજકીય પક્ષોએ જાહેર કરેલા બંધને પગલે મુંબઈ મહાનગરપાલિકાના તત્કાલિન કમિશનરે શહેરને 50 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો દાવો કર્યો હતો.
હાઈકોર્ટના ચુકાદાને શિવસેના અને ભાજપે સુપ્રીમમાં પડકાર્યો હતો. જોકે 16 સપ્ટેમ્બર 2005માં સુપ્રીમ કોર્ટે બંને પક્ષને 20-20 લાખ રૂપિયા ભરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વાય.કે.સભરવાલ, જસ્ટિસ ઠક્કર અને જસ્ટિસ આર.વી. રવિન્દ્રએ ચુકાદા સમયે રાજકીય પક્ષોના કાન આમળતા કહ્યું હતું કે કોર્ટના આદેશનો ભંગ કરશો તો તેનું પરિણામ ભોગવવા તૈયાર રહેવું જોઈએ. રાજકીય પક્ષોએ પોતાના પક્ષથી આગળ વિચાર કરતા શીખવું જોઈએ. રેલવે, બસ અને જનતાને બંધને કારણે નુકસાન થાય છે.