ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 જૂન 2021
ગુરુવાર
વર્ષો સુધી મુંબઈ મહાનગરપાલિકામાં તથા મહારાષ્ટ્ર રાજ્યમાં સત્તામાં ભાગીદાર રહેલા શિવસેના-ભાજપ છુટ્ટા પડી ગયા છે. બંનેના છૂટા પડ્યા પછી કેન્દ્રમાં ભાજપની સરકાર આવ્યા બાદ વર્ષો સુધી મહારાષ્ટ્રમાં નાના ભાઈ રહેલા ભાજપનું જોકે જોર વધી ગયું છે. અત્યાર સુધી શિવસેનાએ હંમેશાં ભાજપને ડરપોક જ ગણાવ્યો છે. જોકે રામ મંદિરની જમીનને મુદ્દે શિવસેનાના વિધાનથી ભાજપ ઉશ્કેરાઈ ગઈ હતી.રોષે ભરાયેલા ભાજપના કાર્યકર્તાઓએ સીધા દાદરમાં આવેલા શિવસેના ભવન સામે પહોંચીને રાડો કરી નાખ્યો હતો.
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે જમીન ખરીદવામાં ગેરરીતિના આરોપ થઈ રહ્યા છે. દેશના વિરોધ પક્ષોએ ભાજપ સામે મોરચો માંડી દીધો છે, ત્યારે શિવસેનાએ પણ આ પ્રકારની તપાસની માગણી કરી હતી. એટલું જ નહીં પણ સંજય રાઉતે તો વિવાદાસ્પદ નિવેદન પણ આપ્યું હતું. એથી રોષે ભરાયેલા ભાજપના કાર્યકર્તા દાદરમાં શિવસેના ભવન પર સીધા પહોંચી ગયા હતા. જ્યાં બંને પક્ષના કાર્યકર્તા સામસામે થઈ ગયા હતા. નારાબાજી થઈ હતી. જબરદસ્ત ધીંગાણું થયું હતું. બંને પક્ષે અનેક કાર્યકર્તા ઘાયલ થયા હતા.
મુંબઈ મેટ્રો ડીલે થવાથી જાપાન સરકાર નારાજ, ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો; આ ગંભીર ચેતવણી આપી, જાણો વિગત
સેના ભવન સામે થયેલા તોફાનને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી. આ પૂરા બનાવ દરમિયાન જોકે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે એક અક્ષર પણ બોલ્યા નહોતા અને સીધા મંત્રાલય પહોંચી ગયા હતા. વર્ષો સુધી શિવસેના ભવન સામે મોરચો કાઢવાની કોઈની હિંમત નહોતી ત્યારે ભાજપની આ હિંમત જોઈને શિવસેનાનું જોર ઘટી ગયું હોવાનું ચર્ચાએ જોર પકડ્યું છે.