News Continuous Bureau | Mumbai
- સિવિલ હોસ્પિટલને સિંધી સમાજમાંથી મળ્યું પ્રથમ અંગદાન
- અંગદાનથી એક લીવર, બે કિડની અને બે ચક્ષુ પ્રાપ્ત થયાં : પાંચ પરિવારોમાં ખુશીના દીવા પ્રગટ્યા
- અત્યાર સુધીમાં ૨૧૪ અંગદાન થકી કુલ ૮૮૪ અંગો તેમજ પેશીઓનું દાન સિવિલ હોસ્પિટલને મળ્યું છે: ડૉ. રાકેશ જોષી
Civil Hospital Ahmedabad નવરાત્રિના પાવન પ્રારંભે અમદાવાદ સિવિલ હોસ્પિટલને ૨૧૪મું અંગદાન પ્રાપ્ત થયું છે. સિંધી સમાજમાંથી સિવિલ હોસ્પિટલને મળેલું આ પ્રથમ અંગદાન છે.
આ ૨૧૪માં અંગદાનથી એક લીવર, બે કિડની અને બે ચક્ષુ પ્રાપ્ત થયાં છે, જેના પરિણામે પાંચ પરિવારોમાં ખુશીના દીવા પ્રગટ્યા છે.
સિવિલ હોસ્પિટલમાં પ્રથમ નોરતે અંગદાનથી જીવનદાન#CivilHospitalAhmedabad #OrganDonation #Humanity #SaveLives #DonateOrgans #AhmedabadNews pic.twitter.com/ku6R49a3PO
— news continuous (@NewsContinuous) September 24, 2025
સિવિલ હોસ્પિટલને ૨૧૪મું અંગદાન અમદાવાદના નવા નરોડામાં રહેતા શ્રી નરેશભાઈ બાલાણી તરફથી પ્રાપ્ત થયું છે.
સિવિલ હોસ્પિટલ ખાતે થયેલા ૨૧૪મા અંગદાનની વિગતો જોઈએ તો અમદાવાદના ૬૫ વર્ષીય નરેશભાઈને તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ ચક્કર આવીને ઊલટી થઈ. તેઓ બેભાન થતાં પહેલાં નજીકની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયેલા. બાદમાં વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા હતા.
સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ૨૧મી સપ્ટેમ્બરના રોજ ડૉક્ટરોએ નરેશભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમના ડૉ. ભાવેશ પ્રજાપતિ દ્વારા નરેશભાઈની બ્રેઇનડેડ પરિસ્થિતિ અને અંગદાન વિશે હોસ્પિટલમાં હાજર તેમનાં પત્ની સંધ્યાબહેનને સમજાવાયા. સંધ્યાબહેને માનવધર્મનું પાલન કરીને પતિ નરેશભાઈનાં અંગોનું દાન કરવા સંમતિ આપી હતી. આ અંગદાનથી પાંચ પરિવારોના ઘરમાં ખુશીઓ છવાઈ હતી.
આ સમાચાર પણ વાંચો : Uber Railway: ભારતના રેલવે સ્ટેશન પર પહેલીવાર: અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉબરની પહેલી ભાગીદારી
સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ અંગદાન અંગે જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલ ખાતે આજદિન સુધીમાં કુલ ૨૧૪ અંગદાન થકી કુલ ૭૦૮ અંગોનું દાન મળ્યું છે. આમ જોઈએ તો ૧૫૨ ચક્ષુ તેમજ ૨૪ ચામડી મળી કુલ ૧૭૬ પેશીઓ સાથે કુલ ૮૮૪ અંગો તેમજ પેશીઓનું દાન સિવિલ હોસ્પિટલ દ્વારા મેળવવામાં આવ્યું છે.
આ અંગદાન સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી ૧૮૯ લીવર, ૩૯૨ કિડની, ૧૭ સ્વાદુપિંડ, ૬૮ હૃદય, ૬ હાથ, ૩૪ ફેફસાં, ૨ નાનાં આંતરડાં, ૧૫૨ ચક્ષુ તથા ૨૪ ચામડીનું દાન મળ્યુ છે, એવું તેમણે ઉમેર્યું હતું.
સિવિલ હોસ્પિટલમાં થયેલ આ અંગદાનથી મળેલ ૨ કિડની અને ૧ લીવરને સિવિલ મેડિસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે તેમજ મળેલ બે આંખોનું દાન સિવિલ મેડિસિટીની એમ એન્ડ જે આંખની હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવ્યું છે, તેમ ડૉ. જોષીએ જણાવ્યું હતું.