ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૯ જૂન ૨૦૨૧
બુધવાર
રાજસ્થાનના જાલોર જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. અહીં એક 6 વર્ષની બાળકીને પાણી ન મળતાં તેનું મૃત્યુ થયું છે. બાળકી અને તેનાં નાની 45 ડિગ્રી ગરમીમાં રેતીમાં પગપાળા પ્રવાસ કરી રહ્યાં હતાં. જ્યારે ગ્રામીણ લોકોના પ્રકાશમાં આ વાત આવી ત્યારે તેમણે પોલીસને જાણ કરી હતી.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી વૃદ્ધાને પાણી પીવડાવ્યું હતું અને હૉસ્પિટલમાં દાખલ કરી હતી, પરંતુ બીજી તરફ માસૂમ બાળકીનું મૃત્યુ થતાં તેને પણ પોસ્ટમૉર્ટમ માટે હૉસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં મોતનું કારણ પાણી ન મળવાનું જાણવા મળ્યું હતું. 60 વર્ષીય સુખીદેવી પોતાની પૌત્રી અંજલિ સાથે સિરોહી પાસે રાયપુરથી બપોરે રાનીવાડાના ડૂંગરી સ્થિત પોતાના ઘરે જતાં હતાં. કોરોના મહામારીને કારણે રાજ્યમાં વાહનોની અવરજવર બંધ હતી અને કોઈ સાધન ન મળતાં તેમણે પગપાળા પ્રવાસ કરવાની ફરજ પડી હતી.
ઉલ્લેખનીય છે કે આશરે 20થી 25 કિલોમીટર ચાલ્યા બાદ બન્ને થાકી ગયાં હતાં. આ દરમિયાન બન્નેને તરસ લાગી હતી. પાણી ના મળવાને કારણે રોડા ગામ પાસે માસૂમ અંજલિનું મોત થયું હતું. બીજી તરફ સુખીદેવી બેભાન થઈને પડી ગયાં હતાં. આ મામલે હવે રાજકારણ પણ ગરમાયું છે. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે રાજસ્થાન સરકારને જવાબદાર ગણાવી છે.