News Continuous Bureau | Mumbai
- એન્ટી સ્નેક વેનમ સર્પદંશ પીડિતોના ઉપચારમાં ખૂબ અસરકારક એન્ટિડોટ
- ગુજરાતભરમાં ૨૯૦થી વધુ સ્થાનિક સર્પ બચાવકર્તાઓ અને ૮૫૦થી વધુ મેડિકલ ઓફિસરોને તાલીમ અપાઈ
- રેસ્ક્યુ કરેલ સાપ માટે સ્વાસ્થ્ય પરિક્ષણ સહિત વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ
Snake Research Institute: વિશ્વમાં ભૌગોલિક પરિસ્થિતિના આધારે સર્પના ઝેરની રચનામાં ફેરફાર થવાથી એન્ટી સ્નેક વેનમની અસરકારકતા પ્રભાવિત થાય છે, જેને અનુલક્ષીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આ પ્રદેશોમાં સાપના ઝેરની અસર દૂર કરવા નિષ્કર્ષણ કેન્દ્રો બનાવવાની ભલામણ કરી હતી. જે અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તથા વન-પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઇ પટેલના માર્ગદર્શનમાં વલસાડના ધરમપુર ખાતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની માર્ગદર્શિકા મુજબ સૌપ્રથમ “સર્પ સંશોધન સંસ્થાન”ની સ્થાપના કરવામાં આવી છે.
Snake Research Institute: સર્પદંશની ગંભીર અસરો
એક અભ્યાસ મુજબ, વિશ્વમાં અંદાજે દર વર્ષે ૫૪ લાખ લોકો સર્પદંશનો ભોગ બને છે, જેના કારણે અંદાજિત ૧.૩૮ લાખ લોકો મૃત્યુ પામે છે જ્યારે ત્રણ ગણી સંખ્યામાં લોકો કાયમી વિકલાંગતાનો ભોગ બને છે. આ સ્નેક બાઈટ એનવેનોમિંગ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બને છે, જેમાં લકવો, ઘાતક હેમરેજ, કિડની નિષ્ફળતા અને ગાંઠ જેવી બિમારીઓનો સમાવેશ થાય છે. સર્પદંશથી બચી ગયેલા દર્દીઓને કાયમી આર્થિક સમસ્યાઓ, વિકૃતિ અને પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર જેવી સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે. ભારતમાં આંધ્રપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ગુજરાત, ઝારખંડ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવા અનેક રાજ્યોમાં સર્પદંશ સંબંધિત મૃત્યુદર ઉંચા પ્રમાણમાં નોંધાયા છે.
Snake Research Institute: ધરમપુરની જ પસંદગી કેમ?
ગીચ જંગલો ધરાવતા ધરમપુર તેમજ આજુબાજુના વિસ્તારમાં મોટી સંખ્યામાં ઝેરી અને બિનઝેરી સાપો વસવાટ કરે છે, તેથી આ વિસ્તારમાં સ્થાપવામાં આવેલા સર્પ સંશોધન સંસ્થાનમાં સર્પદંશને લગતા સંશોધન, નિવારણ, નિદાન, સારવાર, પુનર્વસન તેમજ ગુજરાત અને પડોશી રાજ્યોના મેડિકલ અધિકારીઓને સર્પદંશના ઉપચાર તથા વ્યવસ્થાપન અંગે તાલીમ આપવાની કામગીરી કરવામાં આવે છે.
આ સર્પ સંશોધન સંસ્થાન દ્વારા ૨૯૦થી વધુ સ્થાનિક સર્પ બચાવકર્તાઓને ગુજરાતભરમાં તાલીમ આપવામાં આવેલ છે. સર્પ સંશોધન સંસ્થાનના ઉપાધ્યક્ષ ડો. ડી.સી.પટેલ દ્વારા ૮૫૦થી વધુ મેડિકલ ઓફિસરોને ગુજરાતભરમાં તાલીમ આપવામાં આવી છે. સર્પ સંશોધન સંસ્થાનમાં હાલમાં લગભગ ૩૦૦થી વધારે ઝેરી સાપ રખાયા છે, જેની સંખ્યા ભવિષ્યમાં ૩,૦૦૦ સુધી લઈ જવામાં આવશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની માર્ગદર્શિકા અનુસાર સર્પ સંશોધન સંસ્થાન દ્વારા સાપમાંથી વેનમ કલેક્શનની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Bhupendra Patel: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નો વધુ એક સંવેદનશીલ અભિગમ : દિવ્યાંગ ખેલાડીઓ ની રમત ગમત ક્ષેત્રની વિશેષ સિદ્ધિ નું ગૌરવ કર્યું
સર્પ સંશોધન સંસ્થાનમાં સુરક્ષિત સર્પ હેન્ડલિંગ, રેસ્ક્યુ ઓપરેશન્સ માટે આધુનિક સાધનો અને તકનિકીઓ દ્વારા સર્પ બચાવકર્તાઓને તાલીમ, મેડિકલ અધિકારીઓને સર્પદંશના કેસોના ઉપચાર અને વ્યવસ્થાપન માટે ઊંડાણપૂર્વકની તાલીમ, ઝેરી તથા બિનઝેરી પ્રજાતિઓની તફાવત વિશે જનજાગૃતિ ફેલાવવી, અગ્રણી સંસ્થાઓ સાથેની ભાગીદારી દ્વારા અદ્યતન સંશોધનને આગળ ધપાવવુ જેવી કામગીરી કરવામાં આવે છે. વધુમાં, ભવિષ્યને ધ્યાનમાં રાખીને સંસ્થાન દ્વારા જિનોમિક સંશોધન અને અન્ય વૈજ્ઞાનિક અભ્યાસો શરૂ કરવામાં આવશે, જે સર્પના ઝેરની રચનાની સમજણને વધુ મજબૂત બનાવશે અને ઉપચારના તારણોમાં સુધારો થશે.
Snake Research Institute: સર્પ સંશોધન સંસ્થાનમાં મુખ્ય ચાર ઝેરી સાપ
આ સમાચાર પણ વાંચો : Rushikesh Patel: કાયદા વિભાગ દ્વારા ગુજરાતના તમામ આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર્સ માટે ગાંધીનગર ખાતે એક દિવસીય તાલીમનું આયોજન
ધરમપુર ખાતેના આ સર્પ સંશોધન સંસ્થાનમાં મુખ્ય ચાર ઝેરી સાપોને રાખવામાં આવે છે. જેમાં ભારતીય કોબ્રા, કોમન ક્રેટ, રસેલ્સ વાયપર અને સો-સ્કેલ્ડ વાયપરનો સમાવેશ થાય છે. દરેક રેસ્ક્યુ કરેલ સાપનું સ્વાસ્થ્ય પરીક્ષણ કરવામાં આવે છે, જેથી દ્રશ્યમાન ઇજાઓ અથવા બીમારીના ચિન્હોને ઓળખી શકાય. જો કોઈ સાપને બીમાર તરીકે ઓળખવામાં આવે છે તો તેને તરત જ સારવાર આપવામાં આવે છે અને ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવે છે, જે દરમિયાન સાપોનું નિરીક્ષણ કરવામાં આવે છે. જો આ સમયગાળામાં કોઈ બીમારીના ચિહ્નો જોવા ના મળે અને સાપ યોગ્ય રીતે ખોરાક લે તો તેને વેનમ એક્સ્ટ્રક્શન માટે ખસેડવામાં આવે છે. જો સર્પ કાચળી ઉતારવાના ચક્રમાં હોય અથવા કોઈપણ અન્ય પરિસ્થિતિ હોય જે સર્પના સ્વાસ્થ્ય ઉપર અસર કરી શકે છે તો તેને ઝેર કાઢવાની પ્રક્રિયામાંથી તાત્કાલિક મુક્તિ આપવામાં આવે છે.
સર્પમાંથી નિકળેલા આ ઝેરને લાયોફિલાઇઝેશનની પ્રક્રિયા કરીને પાઉડર બનાવીને ભારતના મુખ્ય એન્ટી સ્નેક વેનમ ઉત્પાદકોને સપ્લાય કરવામાં આવશે. એન્ટી સ્નેક વેનમ સર્પદંશના પીડિતોના ઉપચારમાં ઘણો વધુ અસરકારક બનશે. આ સંસ્થા સર્પદંશથી થતાં નુક્શાન ઘટાડવા અને માનવજાતના હિત માટે ઝેર સંબંધિત ક્ષેત્રોમાં સંશોધનને આગળ વધારવા કટિબદ્ધ છે, એમ નિયામકશ્રી, સર્પ સંશોધન સંસ્થાન અને નાયબ વન સંરક્ષક વલસાડ (ઉત્તર)ની યાદીમાં જણાવાયુ છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.