ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૭ જુલાઈ, ૨૦૨૧
મંગળવાર
એકંદરે વિદ્યાર્થીઓમાં એક ચીલો ચાતરેલો જોવા મળે છે કે નવમા ધોરણ સુધી મજા કરો અને દસમા ધોરણમાં ગંભીરતાથી ભણી લો. હવે આવા વિદ્યાર્થીઓને પસ્તાવાનો વારો આવ્યો છે અને જે વિદ્યાર્થીઓએ મહેનત અને લગનથી અભ્યાસ કર્યો હતો. તેઓને દસમામાં ખૂબ ફાયદો થયો છે. કોરોનાને કારણે રાજ્ય ઉપરાંત CBSE અને ICSE બોર્ડે દસમા ધોરણની પરીક્ષાઓ રદ કરી હતી. વિદ્યાર્થીઓને ઇન્ટરનલ એસેસમેન્ટ અને નવમા ધોરણના પરિણામને આધારે ગુણ આપવામાં આવ્યા હતા.
આ બાબતે પોતાનો મત વ્યક્ત કરતા આ વર્ષે મહારાષ્ટ્રમાં ગુજરાતી માધ્યમની બોર્ડ ટોપર અને અસ્પી નૂતન વિદ્યામંદિરની વિદ્યાર્થીની જાનવી ચુડાસમાએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “દરેક ધોરણનું પોતાનું મહત્ત્વ છે અને દર વર્ષે અભ્યાસમાં મહેનત કરવી ખૂબ જ આવશ્યક છે. મહેનત કોઈ દિવસ વ્યર્થ જતી નથી. તેનું ફળ કોઈને કોઈ રીતે મળે જ છે.” નોંધનીય છે કે જાનવીને આ વર્ષે SSCમાં ૯૮.૪% ગુણ મળ્યા છે.
BCCIએ જાહેર કર્યો IPL પાર્ટ-2નો કાર્યક્રમ, કઈ ટીમ કઈ જગ્યાએ કેટલી મૅચ રમશે? જુઓ સંપૂર્ણ લિસ્ટ
ICSE બોર્ડમાં ૯૬.૩૩% મેળવેલ ઠાકુર પબ્લિક સ્કૂલના વિદ્યાર્થી તીર્થ ગાલાએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “વિદ્યાર્થીઓએ કોઈપણ પરીક્ષા આપતી વખતે દુર્લક્ષ્ય સેવવું જોઈએ નહિ, પરંતુ પરીક્ષામાં પૂર્ણપણે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.”
આ સંદર્ભે વાતચીત કરતા બોરીવલીની આર.સી. પટેલ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ કલ્પના દવેએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું હતું કે “આઠમું અને નવમું ધોરણ SSCનો પાયો છે. જો પાયો જ કાચો જ રહી જશે તો વિદ્યાર્થીઓને આગળ જતા ખૂબ નુકસાન થશે.” તેમણે પોતાના વિચારો વ્યક્ત કરતા કહ્યું હતું કે પાંચથી નવ ધોરણમાં વિદ્યાર્થીઓએ ભણતર અને ઘડતર સાથે કરવાનું હોય છે. તેથી વિદ્યાર્થીઓએ પોતાનો પાયો કાચો ન રહે તે બાબતે ખૂબ સતર્ક રહેવું જોઈએ.