ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 14 ડિસેમ્બર 2021
મંગળવાર.
મહારાષ્ટ્રમાં ભાજપ માટે એક તરફ ખુશી તો એક તરફ ગમનો માહોલ રહ્યો હતો. મહારાષ્ટ્ર વિધાનપરિષદની નાગપૂર અને અકોલાની બેઠક કબજે કરવામાં ભાજપને સફળતા મળતા પક્ષમાં ફરી જાન આવી હતી. તો બીજી તરફ ભાજપને સુપ્રીમ કોર્ટની જોરદાર લપડાક પડી ગઈ હતી. મહારાષ્ટ્ર વિધાનસભાના 12 વિધાનસભ્યોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં ભાજપે સુપ્રીમમાં દોડ મૂકી હતી. જોકે ગુરુવારે સુપ્રીમ કોર્ટે તેમના સસ્પેન્શન પર સ્ટે આપવાનો ઈનકાર કર્યો હતો. આગામી સુનાવણી તેના પર 11 જાન્યુઆરીના થવાની છે.
વિધાનસભામાં વિરોધી પક્ષ રહેલા ભાજપના 12 વિધાનસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એક વર્ષ માટે વિધાનસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. તેના વિરોધમાં ભાજપ સુપ્રીમ કોર્ટે કોર્ટમાં અરજી કરી હતી. વિધાનસભામાં ધમાલ કરવા અને અધ્યક્ષ સાથે અશોભનીય વર્તન કરવાના પ્રકરણમાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્રનું વિધિમંડળનું શિયાળુ અધિવેશન 22 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર દરમિયાન થવાનું છે. પરંતુ અધિવેશનમાં સસ્પેન્ડ કરેલા વિધાનસભ્યોને હાજર રહેવા મળશે નહીં એવી સ્પષ્ટતા સુપ્રીમ કોર્ટે કરી છે.
એક વર્ષ માટે સસ્પેન્ડ કરવાના વિધાનસભાના ઠરાવ વિરુદ્ધ 22 જુલાઈના ભાજપના વિધાનસભ્યોએ અરજી દાખલ કરી હતી. આ વિધાનસભ્યોને વિધીમંડળના અધિવેશનમાં પાંચ જુલાઈના સસ્પેન્ડ કરવામા આવ્યા હતા.
સસ્પેન્ડ કરવામાં આવેલા વિધાનસભ્યમાં સંજય કુટે, આશિષ શેલાર, અભિમન્યૂ પવાર, ગિરીશ મહાજન, અતુલ ભાતખળકર, પરાગ અલવણી, હરીશ પિંપળે, યોગેશ સાગર, જયકુમાર રાવલ, નારાયણ કુચે, રામ સાતપુતે અને બંટી ભાંગડીયાનો સમાવેશ થાય છે