News Continuous Bureau | Mumbai
- રાજ્યના વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં બચાવ રાહત કામગીરી મિશન મોડમાં
- છેલ્લા ૨૪ કલાકમાં ૧,૭૮૫ નાગરિકોનું રેસ્ક્યુ તથા ૧૩,૧૮૩ નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું
- રાહત બચાવ કામગીરી માટે NDRFની ૧૭ અને SDRFની ૨૫ ટીમ ઉપરાંત આર્મીની ૯ કોલમ ડિપ્લોય કરાઈ
Gujarat Rain:ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે. ભારે વરસાદને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં કટોકટીની પરિસ્થિતિ સર્જાઈ હતી. રાજ્યમાં ઉપસ્થિત થતી કોઈપણ પ્રકારની પરિસ્થિતિ સામે લડવા માટે ગુજરાતનું વહીવટી તંત્ર સજ્જ છે. ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન તંત્ર આ આકાશી આફતમાં ખડેપગે રહી સર્તકતા અને સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડી રહ્યું છે. વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી મિશન મોડમાં ચાલી રહી છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત માહીતી મુજબ આજે તા.૨૯મી ઑગસ્ટ સવારે ૧૦.૦૦ કલાકની સ્થિતિ એ છેલ્લા ૨૪ કલાકમાં ૧,૭૮૫ નાગરિકોને રેસ્ક્યુ તથા ૧૩,૧૮૩ નાગરિકોનુ સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. રાજ્યમાં રાહત બચાવ કામગીરી માટે એન.ડી.આર.એફની ૧૭ તેમજ એસ. ડી. આર. એફની ૨૫ ટીમો ઉપરાંત આર્મીની ૯ કોલમ ડિપ્લોય કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો:Paris Paralympic 2024: પેરિસ પેરાલિમ્પિક આજથી શરૂ, પીએમ મોદીએ ભાગ લઈ રહેલા ભારતીય એથ્લેટ્સનું મનોબળ વધાર્યું
રાજ્યમાં ભારે વરસાદમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ રાહત અને બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે, ત્યારે લોકોના જાનમાલનું રક્ષણ કરવા જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ, માર્ગ અને મકાન, આરોગ્ય સહિતના તમામ વિભાગો ખડેપગે ફરજો બજાવી રહ્યા છે. પાણીમાં ફસાયેલા લોકોનું રક્ષણ કરી તેમને સલામત સ્થળે ખસેડવામાં પણ આવી રહ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામમાં ભારે વરસાદના કારણે ચાર નાગરિકો ફસાયા હતાં. જિલ્લા વહીવટી તંત્રની સતર્કતા મદદથી હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરી સલામત સ્થળે સફળતાપૂર્વક ખસેડવામાં આવ્યા હતા.
વલસાડ જિલ્લામાં ખાસ કરીને આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા મહિલાઓને વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. ધોધમાર વરસાદ અને વિકટ પરિસ્થિતિમાં પોતાનું ઘર છોડી જિલ્લા આરોગ્ય તંત્રની સતત દેખરેખ અને કાળજી વચ્ચે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં એક મહિલાની સફળ પ્રસૂતિ કરાઈ હતી.
આ સમાચાર પણ વાંચો:PM Modi:નાગાલેન્ડના રાજ્યપાલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી
તેવી જ રીતે, સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી તાલુકાના પરનાળા ગામમાં એક મહિલાને રેસ્ક્યું કરીને આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં આરોગ્ય કર્મી દ્વારા સફળતાપૂર્વક તેમની પ્રસુતિ કરવામાં આવી હતી.
પોરબંદર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્રારા પણ આજે બાર બહેનોની સફળ ડિલિવરી કરવામાં આવી હતી. અમરેલી જિલ્લામાં શિયાળબેટ ગામના સગર્ભા મહિલાને બોટ મારફતે નજીકની આરોગ્ય સંસ્થા ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા.
આગામી સમયમાં કચ્છ તથા સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદની પરિસ્થિતિ યથાવત હોવાથી રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને કામ વગર બહાર ન નીકળવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.