ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૨ મે ૨૦૨૧
બુધવાર
દેશમાં રસીકરણ અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. તેવામાં હવે બનાસકાંઠા જિલ્લાએ નવો વિક્રમ સ્થાપ્યો છે. બનાસકાંઠા ૪૫ વર્ષથી વધુ આયુના ૯૮% લોકોને વેક્સીનનો પ્રથમ ડોઝ આપનાર દેશનો પહેલો જિલ્લો બની ગયો છે. બનાસકાંઠાની ૬.૧૭ લાખની વસ્તીમાંથી ૬.૦૪ લાખ લોકોએ વેક્સિનનો પહેલો ડોઝ લઈ લીધો છે.
જિલ્લામાં રસીકરણ માટે બે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. એક કે લોકો પોતે જ રસીકરણ કેન્દ્ર પર જઈ રસી લેતા હતા અને બીજી તરફ આરોગ્યકર્મીઓ દરેક ગામમાં ફરી લોકોને રસી મૂકી આપતા હતા. તંત્રે જણાવ્યું હતું કે હવે ૧૮ થી ૪૪ આયુવર્ગના લોકોનું રસીકરણ પણ આ જ પ્રકારે કરવામાં આવશે.
હવે ભારતમાં 2થી 18 વર્ષના બાળકો પર થશે કોરોના વેક્સીનનું ટ્રાયલ, આ રસીને મળી મંજૂરી
ઉલ્લેખનીય છે કે આ સિદ્ધિનો યસ બનાસકાંઠાના પ્રભારી સચિવ વિજય નહેરાને આપવામાં આવી રહ્યો છે. બનાસકાંઠાના કલેક્ટર આનંદ પટેલે મીડિયાને જણાવ્યું કે જે દિવસથી રસીકરણ શરૂ થયું તે જ દિવસથી મહત્તમ લોકોને વેક્સીન આપવાનું અમે શરૂ કર્યું હતું. જિલ્લામાં દરરોજ સરેરાશ ૫૦થી ૫૫ હજાર રસી આપવામાં આવે છે. ગુજરાતમાં ૪૫ વર્ષથી વધુ વયના ૫૫ ટકા લોકો પ્રથમ ડોઝ પ્રથમ ડોઝ લઈ ચુક્યા છે. જયારે દેશમાં આ દર ૪૦ ટકાનો છે. તેવામાં બનાસકાંઠા જિલ્લાની આ સિદ્ધી સરાહનીય છે.