News Continuous Bureau | Mumbai
પર્યાવરણની સુરક્ષાનો ઉદ્દેશ સાકાર થાય તેમજ સાયકલિંગ પ્રત્યે જનજાગૃત્તિ આવે એ માટે સુરતની વરાછા કો.ઓપરેટિવ બેન્ક છેલ્લા બે વર્ષથી સાઈકલ લઈને આવતા કર્મચારીઓને મહિને રૂ.૫૦૦નું સાયકલ ભથ્થું આપી રહી છે.
વરાછા બેન્કના ચેરમેન અને સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખશ્રી કાનજીભાઈ ભાલાળાએ સાયકલિંગ માટે પ્રોત્સાહન આપતી બેન્કની યોજના અંગે જણાવ્યું કે, કર્મચારીઓ પણ ફીટ રહે અને પર્યાવરણની સુરક્ષા થઈ શકે, રોડ પરનું ટ્રાફિક ભારણ ઘટાડવામાં મદદ મળે એ આશયથી છેલ્લા બે વર્ષથી વરાછા બેન્કની તમામ શાખાઓમાં સાયકલ લઈને ઓફિસ આવનાર કર્મચારીને દર મહિને રૂ.૫૦૦નું સાયકલ ભથ્થું આપવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો: ગ્રીન એન્ડ ક્લીન ઘર.. સુરતના આ ઉદ્યોગપતિએ તેમના ઘરમાં ૪૦થી વધુ જાતના ફૂલ-છોડ રોપ્યા.. આખા ઘરને હરિયાળું બનાવ્યું..
સાયકલ ચલાવતા કસરત થઈ જતી હોવાથી સાયકલિંગ થકી કસરતની ટેવ વિકસે એવો પણ અમારો પ્રયાસ છે. સાયકલ ગ્રીન મોડ ઓફ ટ્રાન્સપોર્ટ છે, ત્યારે બેન્ક કર્મચારીઓ પોતાની બાઈક કે ફોર વ્હીલને બદલે સાયકલ લઈને આવતા થાય એ માટે તેમને પ્રોત્સાહિત કરવાનો આશય છે. હાલ ૨૫ જેટલા કમચારીઓ સાયકલ લઈને બેન્ક પર આવી રહ્યા છે.
અન્ય નવા કમચારીઓ પણ આ પહેલમાં જોડાવા સંકલ્પબદ્ધ બન્યા છે. આમ, ‘ઈન્સેન્ટિવ ફોર ઈનિશીએટિવ’ ના રૂપમાં કર્મચારીઓને સાયકલિંગથી ચુસ્ત-દુરસ્ત રાખવા અને પર્યાવરણ જાગૃતિના હેતુ સાથે વરાછા બેંકની અનોખી પહેલને કર્મચારીઓ પણ ઉત્સાહભેર પ્રતિસાદ આપી રહ્યા છે.