ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 05 ઑગસ્ટ, 2021
ગુરુવાર
ભારતીય હોકી ટીમે જર્મનીને હરાવીને ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે.
આ ઐતિહાસિક સિદ્ધિ બદલ પંજાબ સરકારે અગાઉ કરેલી જાહેરાત પ્રમાણે હોકી ટીમને બ્રોન્ઝ મેડલ જીતાડનારા પંજાબના 10 ખેલાડીને એક-એક કરોડ રૂપિયા રોકડા અને સરકારી નોકરી મળશે.
ભારતની હોકી ટીમમાંથી કેપ્ટન મનપ્રિત સિંહ સહિત 10 ખેલાડી પંજાબના છે.
આ ખેલાડીઓમાં દિલપ્રિત સિંહ, રૂપિન્દર સિંહ, હાર્દિક સિંહ, ગુર્જન્ત સિંહ, સિમરનજીત સિંહ, મનદીપ સિંહ, હરમનપ્રીત સિંહ, શમશેર સિંહ અને વરૂણ કુમારનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે પંજાબના રમતગમત પ્રધાન રાણા ગરુમિત સિંહ સોઢીએ જાહેરાત કરી હતી કે, ભારતીય હોકી ટીમ ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતશે તો પંજાબના દરેક ખેલાડીને દોઢ-દોઢ કરોડ રૂપિયા અને સરકારી નોકરી મળશે જ્યારે ભારતીય હોકી ટીમ ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીતશે તો પંજાબના દરેક ખેલાડીને એક-એક કરોડ રૂપિયા અને સરકારી નોકરી મળશે. પંજાબ સરકાર હવે આ યોજનાનો અમલ ઝડપથી કરશે એવી આશા છે.