ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
અમદાવાદ
30 મે 2020
સમગ્ર દેશમાં ફેલાયેલી કોરોનાની મહામારી વચ્ચે હવે ગુજરાત માથે વાવાઝોડાનું સંકટ તોળાયું છે. હાલ જે ડિપ્રેશન ઓમાન-મસ્કત તરફ છે તે આગામી 4 અને 5 જૂનના રોજ ગુજરાતના દ્વારકા, ઓખા અને મોરબી થઈ કચ્છ તરફ વાવાઝોડા તરીકે ફંટાય તેવી દહેશત છે. જો આ ડિપ્રેશન વાવાઝોડાનું સ્વરૂપ લેશે તો દ્વારકા થઈને કચ્છના કંડલા અને આજુબાજુના વિસ્તારોને ધમરોળતું રાજસ્થાન તરફ આગળ વધે અને ત્યાં વિખેરાઇ જાય તેવી શક્યતાઓ છે.
જો કે હાલ વાવાઝોડું ગુજરાત તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. અલબત્ત આ અંગેની કોઈ સત્તાવાર જાહેરાત હવામાન ખાતા તરફથી કરાઈ નથી. પરંતુ નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકશે તો કલાકના 120 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. આ અસરને જોતા પોરબંદર દરિયામાં બંદર દ્વારા એક નંબરનું સિગ્નલ લગાડાયું છે. અરબી સમુદ્રમાં લો પ્રેશરને કારણે સાવચેતીના ભાગરૂપે એક નંબરનું સિગ્નલ લગાવી માછીમારોને દરિયો નહીં ખેડવાની સલાહ આપી છે.
નોંધપાત્ર છે કે હવામાન ખાતા અનુસાર હજી પણ ડિપ્રેશન ઓમાન-યમન તરફ હોવાથી ગુજરાતમાં વરસાદ પડી શકે.