ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૫ જુલાઈ ૨૦૨૧
સોમવાર
મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ (MSRDC)એ મુંબઈ-નાગપુર સમૃદ્ધિ હાઈવેનું કામ ઝડપી બનાવ્યું છે. આ નવા ધોરીમાર્ગ દ્વારા આઠ કલાકમાં 701 કિમીનું અંતર કાપી શકાશે. આ હાઈવે પર 24 જગ્યાએ ટૉલ ચૂકવવો પડશે. MSRDCના સહમૅનેજિંગ ડિરેક્ટર વિજય વાઘમારેએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે 24 ટૉલ પ્લાઝા ફાસ્ટ ટૅગ સિસ્ટમથી સજ્જ હશે.
નાગપુરથી શિરડી, નાગપુરથી ઇગતપુરી અને નાગપુરથી મુંબઈ એમ ત્રણ તબક્કામાં હાઈવે બનાવવામાં આવી રહ્યો છે. તદનુસાર, નાગપુરથી શિરડી સુધી 520 કિલોમીટરનો પ્રથમ તબક્કો નવેમ્બરમાં પૂર્ણ થવાની સંભાવના છે. એ પૂર્ણ થતાંની સાથે જ એ મુસાફરી માટે ખુલ્લો મુકાશે. આગામી બે તબક્કા દર છ મહિને પૂર્ણ કરવામાં આવશે એમ વાઘમારેએ ઉમેર્યું હતું હતું.
શિક્ષકોની આ ભૂલને લીધે મહારાષ્ટ્રમાં SSC બોર્ડના રિઝલ્ટ લંબાઈ જશે; જાણો વિગત
મુંબઈથી નાગપુર સુધીની સફર માટે હાલમાં માર્ગ દ્વારા 14થી 16 કલાકનો સમય લાગે છે. આ હાઈવે 10 જિલ્લાઓ અને 390 ગામોમાંથી પસાર થશે. એથી આ તમામ જિલ્લાના મુસાફરો હાઈવેનો ઉપયોગ કરી શકશે. હાઈવે પર પ્રવેશ અને બહાર નીકળવા માટે 24 સ્થળો બનાવવામાં આવશે. છ લેનના હાઈવેના બાંધકામનો કુલ ખર્ચ 55 હજાર 332 કરોડ છે. આ હાઈવે ૨૦૨૨ સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે.