ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,10 જાન્યુઆરી 2022
સોમવાર.
મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ અને માવઠા પડી રહ્યા છે. તેને કારણે ખેડૂતોના અનેક પાકને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. અમુક જગ્યાએ દ્રાક્ષની સાથે જ કાંદાના પાકને પણ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. છતાં આગામી દિવસમાં કાંદાની અછત નિર્માણ થવાની કે તેના ભાવમાં કોઈ વધારો થવાની શક્યતા ન હોવાનો દાવો કાંદા સાથે સંકળાયેલા વેપારીઓનો છે.
નાસિક જિલ્લામાં ડુંગળીની ખેતી મોટા પ્રમાણમાં ચાલી રહી છે. નાસિક ડુંગળીના ઉત્પાદનમાં અગ્રેસર છે. અહીં ખેડૂતોએ પહેલેથી જ ડુંગળીનું વાવેતર શરૂ કરી દીધું છે અને તેમનો પાક ઉતરવાની તૈયારીમાં છે. જોકે ડુંગળીના ઉત્પાદકોને છેલ્લા થોડા મહિનાઓના કમોસમી વરસાદ પછી વારંવાર ધુમ્મસ અને વાદળછાયા વાતાવરણનો સામનો કરવો પડી રહ્યો છે. ગયા અઠવાડિયે નાસિક જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો હતો અને તે પછી મોડી સવાર સુધી વાદળછાયું વાતાવરણ હોવાથી, ડુંગળી ઉત્પાદકોનું ટેન્શન વધી ગયું છે.
વાદળછાયા વાતાવરણને કારણે ડુંગળી પર ફૂગના રોગોનું પ્રમાણ વધ્યું છે. માવા અને કરપા જેવા રોગને કારણે ડુંગળીના પાનની ડાળીઓ પીળી પડવા લાગી છે. ડુંગળીના મોંઘાદાટ રોપાઓ ખરીદીને વાવેતર કરેલી ડુંગળીની માવજત કરવાનો વારો આવ્યો છે.ખેડૂતોને મોંઘીદાટ દવાઓ ખરીદીને છંટકાવ કરવો પડી રહ્યો છે.
બદલાતા આબોહવાથી માત્ર ડુંગળી જ નહીં પરંતુ દ્રાક્ષ પણ પ્રભાવિત થઈ રહી છે. કૃષિ અધિકારીઓના જણાવ્યા અનુસાર, વાદળછાયા વાતાવરણને કારણે ફૂગ, રોગ અને પાંદડા પીળાં થવાનું કારણ બન્યું છે, તેથી ડુંગળીનો વિકાસ અટકી જવાની અને કદમાં ઘટાડો થવાની શક્યતા વધુ છે. ડુંગળીની સાથે સાથે જિલ્લાના દ્રાક્ષ ઉત્પાદન પટ્ટાને પણ બદલાતા વાતાવરણને કારણે ભારે ફટકો પડી રહ્યો છે.
કમોસમી વરસાદ અને માવઠું કાંદાને પાકને નુકસાન પહોંચાડી રહ્યું છે. છતા આગામી સમયમાં બજારમાં કાંદાની અછત નહીં સર્જાય એવો દાવો કાંદાની સાથે સંકળાયેલા વેપારીઓ કરી રહ્યા છે. નવી મુંબઈની એપીએમસી માર્કેટના ઓનિયન પોટેટો મર્ચન્ટ અસોસિયનેશનના હોનેનરી સેક્રેટરી રાજીવ મણિયારે ન્યુઝ કન્ટીન્યુઝને જણાવ્યું હતું કે કમોસમી વરસાદને કારણે રાજ્યમાં અનેક પાકને નુકસાન થવાની શકયતા છે. જોકે હાલ કાંદાના પાકનું સતત ઉત્પાદન ચાલી રહ્યું છે. હમણાં નવા કાંદા નીકળશે. તો બીજી તરફ ખેતરમાં વાવણી પણ ચાલી રહી છે. એટલે આગામી સમયમાં બજારમાં કાંદાની અછત સર્જાવાની કોઈ શક્યતા નથી.