Vibrant Gujarat Regional Conference 2025: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં રોકાણને વેગ મળશે

VGRC કચ્છ અને સૌરાષ્ટ્રને ઔદ્યોગિક અને સાંસ્કૃતિક વિકાસના ઉભરતા કેન્દ્રો તરીકે પ્રદર્શિત કરશે*

by aryan sawant
Vibrant Gujarat Regional Conference 2025 વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ

News Continuous Bureau | Mumbai

Vibrant Gujarat Regional Conference 2025 VGRC કચ્છ અને સૌરાષ્ટ્રને ઔદ્યોગિક અને સાંસ્કૃતિક વિકાસના ઉભરતા કેન્દ્રો તરીકે પ્રદર્શિત કરશે*

VGRC સિરામિક્સ, એન્જિનિયરિંગ, બંદરો અને લૉજિસ્ટિક્સ, મત્સ્યોદ્યોગ, પેટ્રૉકેમિકલ્સ, કૃષિ અને ફુડ પ્રોસેસિંગ, ગ્રીન એનર્જી અને પ્રવાસન ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે

*ગાંધીનગર, 20 નવેમ્બર, 2025:* કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે યોજાનારી દ્વિતીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સમાં (VGRC) કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઝડપથી વિકસી રહેલી આર્થિક, ઔદ્યોગિક અને સાંસ્કૃતિક તકોને રજૂ કરવામાં આવશે. VGRCના લીધે આ પ્રદેશોમાં રોકાણ ઝડપથી વધી રહ્યું છે, જે ગુજરાતને મજબૂત, સમાવિષ્ટ અને ટકાઉ વિકાસ તરફ આગળ વધવામાં મદદ કરશે.

આ કૉન્ફરન્સમાં સિરામિક્સ, એન્જિનિયરિંગ, બંદરો, લૉજિસ્ટિક્સ, મત્સ્યોદ્યોગ, પેટ્રૉકેમિકલ્સ, કૃષિ અને ફુડ પ્રોસેસિંગ, ખનિજો, ગ્રીન એનર્જી, કૌશલ્ય વિકાસ, સ્ટાર્ટઅપ્સ, MSME, પ્રવાસન અને સંસ્કૃતિ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં વિકાસની તકોને પ્રકાશિત કરવામાં આવશે. નીતિગત સહયોગ અને વ્યૂહાત્મક ભાગીદારી સાથે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ઔદ્યોગિક વિકાસને ઝડપી બનાવવાની સાથે ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં નાગરિકોને સુધી મહત્તમ લાભ પહોંચાડવાનો છે.

*કચ્છ*
ભારતનો સૌથી મોટો જિલ્લો કચ્છ મજબૂત માળખાગત સુવિધાઓ અને બંદરોની કનેક્ટિવિટી સાથે એક મુખ્ય ઔદ્યોગિક અને વેપાર કેન્દ્ર છે. ભારતના બે સૌથી મોટા બંદરો – કંડલા અને મુન્દ્રાના લીધે વૈશ્વિક વ્યાપાર માટે કચ્છ એક મુખ્ય પ્રવેશદ્વાર છે. આ જિલ્લામાં પશુપાલન આજીવિકા માટે બીજો સૌથી મોટો સ્ત્રોત છે અને સાથોસાથ અહીં સમૃદ્ધ ઔદ્યોગિક ક્ષેત્રો અને પ્રવાસન સ્થળો છે. આ તમામ પાસાઓના લીધે પેટ્રોકેમિકલ્સ, 32 GW નવીનીકરણીય ઉર્જા, લૉજિસ્ટિક્સ અને એગ્રો પ્રોસેસિંગ ક્ષેત્રોમાં રોકાણ માટે કચ્છ એક મહત્વપૂર્ણ કેન્દ્ર બન્યું છે.

*મોરબી*
મોરબીને “ભારતની સિરામિક રાજધાની” તરીકે ઓળખવામાં આવે છે. 900 થી વધુ સિરામિક ઉત્પાદન એકમો ટાઇલ્સ, સેનિટરીવેર અને વિટ્રિફાઇડ ઉત્પાદનો બનાવે છે, જેનું ભારતીય અને આંતરરાષ્ટ્રીય બજારોમાં નોંધપાત્ર યોગદાન છે.

*જામનગર*
જામનગરને “ભારતનું પિત્તળનું શહેર” તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં 15,000 થી વધુ એકમો પિત્તળની કામગીરી સાથે સંકળાયેલા છે. ઓદ્યોગિક ક્ષેત્ર સિવાય અહીં કેરી, જામફળ અને દાડમ જેવા ઉચ્ચ-મૂલ્યવાળા ફળોનું પણ સારું ઉત્પાદન થવાથી કૃષિ આધારિત ઉદ્યોગોનો પણ વિકાસ થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એશિયાની સૌથી મોટી પેટ્રોલિયમ રિફાઇનરી અહીં સ્થિત છે.

*રાજકોટ*
રાજકોટ ગુજરાતનો ત્રીજો સૌથી મોટો જિલ્લો છે, જે મશીન ટૂલ્સ ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર છે. સમગ્ર દેશમાં અહીંથી મશીનરીને સપ્લાય કરવામાં આવે છે અને નવીનતા અને ઉદ્યોગસાહસિકતાથી MSMEs અહીં મોટાપાયે વિકસિત થયા છે. રાજકોટની બાંધણી, અજરખ અને અહીંનું લોક સંગીત પ્રવાસન અને હસ્તકલા ક્ષેત્રોને મજબૂતી આપે છે.

*પોરબંદર અને દેવભૂમિ દ્વારકા*
મહાત્મા ગાંધીનું જન્મસ્થળ પોરબંદર મત્સ્યોદ્યોગ, ખનિજ પ્રોસેસિંગ અને હસ્તકલા ક્ષેત્રોમાં જાણીતું સ્થળ છે. ભારતનો સૌથી મોટો કાસ્ટિક સોડા પ્લાનટ પણ પોરબંદરમાં સ્થિત છે. ભગવાન કૃષ્ણની કર્મભૂમિ એવા દેવભૂમિ દ્વારકામાં મીઠાપુર ખાતે ટાટા કેમિકલ્સનો પ્લાન્ટ સ્થિત છે જે ભારતમાં સોડા એશના ઉત્પાદનમાં અગ્રણી છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે ઓખા બંદરની સુવિધા મત્સ્ય ઉત્પાદનો, ખનિજ અને મીઠાના વ્યવસાયને સહયોગ પૂરો પાડે છે.

*ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર*
ભાવનગર ડુંગળીના ઉત્પાદનમાં ભારતમાં અગ્રેસર છે અને અલંગમાં વિશ્વનું સૌથી મોટું શિપબ્રેકિંગ યાર્ડ છે. બોટાદ એક નવા ઔદ્યોગિક અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે વિકસી રહ્યું છે. સુરેન્દ્રનગર કપાસ, વરિયાળી અને મીઠાના ઉત્પાદનમાં અગ્રેસર છે અને પરંપરાગત બાંધણી અને ટાંગલિયા વણાટ માટે પ્રખ્યાત છે.

આ સમાચાર પણ વાંચો : World Childrens Day 2025: વિશ્વ બાળ દિવસ-૨૦૨૫ બાળકોમાં આજે રોપેલા સંસ્કારોનું બીજ,

*જૂનાગઢ અને ગીર સોમનાથ*
આ જિલ્લાઓમાં ઇકોલોજી, અર્થવ્યવસ્થા અને સંસ્કૃતિનો સમન્વય છે. સમૃદ્ધ એગ્રો પ્રોસેસિંગના ઉદ્યોગો, ગીર અભ્યારણ્ય, ગિરનાર પર્વત અને વ્યાપક બાગાયતી ઉત્પાદનથી આ જિલ્લાઓ કૃષિ, ફુડ પ્રોસેસિંગ અને ઇકો-ટુરિઝમ ક્ષેત્રમાં વ્યાપક સંભાવનાઓ પ્રસ્તૂત કરે છે.

*અમરેલી*
અમરેલીમાં ભારતનું પ્રથમ ખાનગી બંદર પીપાવાવ છે જે રાષ્ટ્રીય અને વૈશ્વિક બજારો માટે બલ્ક અને કન્ટેનર કાર્ગોનું સંચાલન કરે છે. આ જિલ્લો કૃષિ અને ફુડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં એક વિકસી રહેલું કેન્દ્ર છે અને સિમેન્ટ ઉદ્યોગથી પણ રોજગારની તકો ઉત્પન્ન કરે છે.

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ પ્રાદેશિક વિકાસને વેગ આપવા અને રોકાણો આકર્ષવા માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ કૉન્ફરન્સ 8-9 જાન્યુઆરી 2026 ના રોજ રાજકોટમાં યોજાશે. લાંબા ગાળાના ઔદ્યોગિક આયોજન તેમજ કૌશલ્ય અને નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરીને, સૌરાષ્ટ્ર અને કચ્છના ક્ષેત્રો વિકસિત ગુજરાત – વિકસિત ભારત @2047ના વિઝન માટે મહત્વપૂર્ણ આધાર બની રહ્યા છે.

 

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More