ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,25 જાન્યુઆરી 2022
મંગળવાર.
ગુજરાતના જામનગરમાં લીમડાલેન વિસ્તારમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક અમેરિકા સ્થિત યુવક અને શહેરમાં જ રહેતી એક યુવતી, જે બન્ને વચ્ચે પ્રેમ થયો હતો અને બાદમાં બંને પરિવારોની સંમતિથી બે દિવસ પહેલાં લગ્ન કરવા જઈ રહ્યાં હતાં અને લગ્નવિધિ દરમિયાન કન્યાની માતાએ વરરાજાનું નાક ખેંચવાનો પ્રયત્ન કરતાં બન્ને પરિવારો વચ્ચે ભારે બબાલ થયો હતો અને આખરે પ્રેમિકા દ્વારા લગ્ન કરવાનો ઇનકાર કરવામાં આવ્યો અને જાન લીલાં તોરણે પાછી ફરી હતી.
પ્રાપ્ત જાણકારી મુજબ, જામનગરમાં લીમડાલેન વિસ્તારમાં રહેતા અને અમેરિકામાં સ્થાયી થયેલા એક યુવકને જામનગરની એક યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો અને બન્નેએ લગ્ન કરવાનું નકકી કરતાં આખરે બન્નેનાં પરિવારજનો દ્વારા સંમતિ આપવમ આવતા તારીખ 20ના લગ્ન યોજવામાં આવ્યા હતા. તેમનો લગ્ન સમારંભ જામનગરની મધ્યમાં આવેલી એક હોટલમાં યોજાયો હતો. લગ્ન પ્રસંગ દરમિયાન કન્યા પક્ષ દ્વારા વરરાજાનું નાક પકડવા માટેની વર્ષોથી ચાલી આવતી પરંપરા નિભાવવાની વિધિ શરૂ કરવામાં આવી હતી.
કોરોનાની અસર ગુજરાતના ટૂરિઝમ ક્ષેત્ર પર જોવા મળી, ધોરડો સફેદ રણમાં આટલા ટકા પર્યટકો ઘટ્યા
પ્રથમ વરરાજાના પરિવાર દ્વારા નાક પકડવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. પરંતુ, પ્રેમિકાની માતાએ માત્ર નાકને સ્પર્શ કરવાનું જણાવીને તેમણે માત્ર વરરાજાના નાકને સ્પર્શ કર્યો હતો. બસ એટલું પણ પ્રેમીનાં પરિવારજનો સહન કરી શક્યા ન હતા અને વરરાજાના કાકા સહિતનાં પરિવારજનોએ ભાવિ સાસુમાનો ઊધડો લઇ નાખ્યો હતો. આ દરમિયાન, ભારે બબાલ થવા પામ્યો હતો. આ દરમિયાન કન્યા પણ દરવાજા પાસે આવીને ઊભી રહી ગઈ હતી અને ભારે રકઝક બાદ તેણે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો.
આમ બન્ને પરિવારમાં ભારે સોંપો પડી ગયો હતો. પોતાની માતાનું અપમાન સહન નહીં કરી શકતાં તેણે લગ્નનો પ્રસ્તાવ ઠૂકરાવી દીધો હતો અને જાન લીલાં તોરણે પાછી મોકલી દઇ હિંમતભર્યું પગલું લીધું હતું. એ બાદ કન્યા પક્ષે પણ હોટલમાંથી ચાલતી પકડી હતી. આમ, બન્ને પક્ષ માટે બનેલું ભોજન હોટલમાં પડયું રહ્યું હતું, બાદમાં કન્યા પક્ષ દ્વારા પોતાને મળેલી ગિફ્ટ પણ પરત મોકલાવી દીધી હતી. આમ, નાકના પ્રશ્ને લગ્ન ફોક થયા હતા.