News Continuous Bureau | Mumbai
World Environment Day :
વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ આગામી તા. ૫ જૂન સુધી યોજાનાર આ અભિયાનનો આજે પ્રારંભ કરાવ્યો
પર્યાવરણની ચિંતા એ માત્ર કોઈ એક વ્યક્તિની નહિ, પરંતુ સૌની સહિયારી જવાબદારી: મંત્રી શ્રી મુળુભાઈ બેરા
• ઇન્દ્રોડા પ્રકૃતિ અભિયાન-ગાંધીનગર ખાતે “પ્લાસ્ટિક એકત્રીકરણ કેન્દ્ર”નો પણ શુભારંભ
• બિનઉપયોગી પ્લાસ્ટિકને આ કેન્દ્ર ખાતે જમા કરાવનારને વળતરરૂપે રિસાયકલ કરેલા પ્લાસ્ટિકથી બનેલી ચીજ-વસ્તુઓ અપાશે
વિશ્વભરમાં દર વર્ષે તા. ૫ જૂનના રોજ “વિશ્વ પર્યાવરણ દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે યોજાનારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ગીર ફાઉન્ડેશન-ગાંધીનગર દ્વારા આગામી તા. ૫ જૂન સુધી “વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” વિષય પર લોકજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ પર્યાવરણીય પડકારો તેમજ પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જનજાગૃતિ કેળવવા વિવિધ કાર્યક્રમોનું આયોજના કરવામાં આવશે.
આ અભિયાનના ભાગરૂપે આજે તા. ૨૨ જૂનના રોજ વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ ગીર ફાઉન્ડેશન ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન-ગાંધીનગર ખાતેથી “પ્લાસ્ટિક એકત્રીકરણ ઝુંબેશ”નો પ્રારંભ કરાવ્યો હતો. ગીર ફાઉન્ડેશન-ગાંધીનગર તેમજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ-ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આ ઝુંબેશ દરમિયાન મંત્રીશ્રીએ ઇદ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે ઉભા કરાયેલા “પ્લાસ્ટિક એકત્રીકરણ કેન્દ્ર”નો પણ શુભારંભ કરાવ્યો હતો. આ કેન્દ્ર ખાતે પ્લાસ્ટિક કચરો જમા કરાવનાર બાળકોને પ્રોત્સાહનરૂપે મંત્રીશ્રીના હસ્તે રીસાયકલ કરેલા પ્લાસ્ટિકથી બનેલી ઉપયોગી ચીજ-વસ્તુઓ આપવામાં આવી હતી.
આ ઉપરાંત મંત્રીશ્રીએ ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતેથી જનજાગૃતિ બાઇક રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં વન વિભાગ, ગીર ફાઉન્ડેશન, GPCB તેમજ અન્ય સહયોગી સંસ્થાઓના અધિકારી-કર્મચારીઓ તેમજ શાળાના બાળકોએ મોટી સંખ્યામાં જોડાઈને પર્યાવરણ સંરક્ષણનો સંદેશો સામાન્ય જનતા સુધી પહોંચાડ્યો હતો. આટલું જ નહિ, આ પ્રસંગે ઉપસ્થિત મંત્રીશ્રી સહિતના સૌ મહાનુભાવો અને નાગરિકોએ ‘મિશન લાઇફ’માં જોડાઈને રોજિંદા જીવનમાં પર્યાવરણ-સાનુકૂળ ફેરફારો લાવવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.
આ સમાચાર પણ વાંચો : Salman Khan security : બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની સુરક્ષામાં ચૂક, બે દિવસમાં બે શખ્સે Y+ સિક્યોરિટી ભેદી, પોલીસ આવી હરકતમાં…
આ વેળાએ મંત્રીશ્રીએ સમાંબોધાના કરતા જણાવ્યું હતું કે, પ્લાસ્ટિક એકત્રીકરણ અભિયાન મારફત નાગરિકોને પ્લાસ્ટિક કચરાના યોગ્ય નિકાલ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આ અભિયાન હેઠળ આગામી તા. ૫ જૂન સુધી કોઈપણ વ્યક્તિ પોતાના ઘર કે ઓફિસમાંથી બિનઉપયોગી પ્લાસ્ટિકની વસ્તુઓ ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે ઉભા કરાયેલા પ્લાસ્ટિક એકત્રીકરણ કેન્દ્ર ખાતે આપી શકશે. જેના વળતર સ્વરૂપે નાગરિકોને રિસાયકલ કરેલા પ્લાસ્ટિકમાંથી બનેલી વિવિધ ઉપયોગી વસ્તુઓ આપવામાં આવશે.
પર્યાવરણની ચિંતા એ માત્ર કોઈ એક વ્યક્તિની નહિ, પરંતુ આપણા સૌની સહિયારી જવાબદારી છે. રાજ્યના સૌ નાગરીકો પર્યાવરણ સંરક્ષણના આ અભિયાનમાં જોડાઈને પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડશે તેમજ પ્લાસ્ટિક કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરવા માટે જાગૃત અને કટિબદ્ધ બનશે, તેવો મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, ગુજરાતના અગ્ર મુખ્ય વન સંરક્ષક ડૉ. જયપાલસિંહ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, વન અને પર્યાવરણ વિભાગ તેમજ અન્ય સહયોગી સંસ્થાના વરિષ્ઠ અધિકારીઓ સહિત નાગરીકો પણ આ શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.