News Continuous Bureau | Mumbai
BMC Election 2026 મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે મુંબઈ (BMC), પુણે, થાણે, નાસિક અને નાગપુર સહિત કુલ ૨૯ મહાનગરપાલિકાઓ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે. ૨૩ ડિસેમ્બરથી ઉમેદવારો ઑફલાઇન માધ્યમથી પોતાનું નામાંકન દાખલ કરી શકશે. આ ચૂંટણીઓમાં અંદાજે ૩.૪૮ કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે, જે ૧ જુલાઈ ૨૦૨૫ ની સુધારેલી મતદાર યાદી મુજબ હશે.ચૂંટણી પંચના જણાવ્યા મુજબ, મોટાભાગની મહાનગરપાલિકાઓમાં બહુ-સભ્ય વોર્ડ પદ્ધતિ અમલમાં રહેશે, જ્યારે મુંબઈમાં ૨૨૭ બેઠકો માટે સીધી સ્પર્ધા થશે.
ચૂંટણીનું સંપૂર્ણ સમયપત્રક
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, આગામી ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ ૨૩ ડિસેમ્બર ૨૦૨૫ થી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત સાથે થશે. ઈચ્છુક ઉમેદવારો ૩૦ ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં પોતાના ફોર્મ ભરી શકશે, જે બાદ ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી (Scrutiny) હાથ ધરવામાં આવશે.જે ઉમેદવારો પોતાની ઉમેદવારી પાછી ખેંચવા માંગતા હોય તેમના માટે ૨ જાન્યુઆરી ૨૦૨૬ ની તારીખ છેલ્લી રહેશે અને તેના બીજા દિવસે એટલે કે ૩ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ ચૂંટણીના ચિન્હોની ફાળવણી કરી અંતિમ યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા બાદ ૧૫ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ મતદાન યોજાશે અને બીજા જ દિવસે, એટલે કે ૧૬ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ મતગણતરી હાથ ધરી પરિણામો જાહેર કરવામાં આવશે.
બેઠકોનું ગણિત અને અનામત
મુંબઈ (BMC) માં કુલ ૨૨૭ બેઠકો છે, જેમાં બહુમતી માટે ૧૧૪ બેઠકોની જરૂર પડશે. આ વખતે વોર્ડની સીમાઓમાં આશરે ૨૦-૨૫% ફેરફાર કરવામાં આવ્યા છે. મહિલાઓ માટે ૧૨૭ બેઠકો અનામત રાખવામાં આવી છે, જેમાંથી અનુસૂચિત જાતિ અને જનજાતિની મહિલાઓ માટેનો હિસ્સો પણ નિર્ધારિત છે.
આ સમાચાર પણ વાંચો : New Year 2026: નવું વર્ષ ૨૦૨૬ રાશિફળ: જાન્યુઆરીમાં સર્જાશે ગુરુ-સૂર્યનો દુર્લભ સંયોગ, આ ૫ રાશિઓના ભાગ્ય ચમકશે અને થશે અઢળક ધનલાભ.
રાજકીય પક્ષોની તૈયારી
મહારાષ્ટ્રમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળશે. એક તરફ ‘મહાયુતિ’ (ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના) સત્તા જાળવી રાખવા મથશે, તો બીજી તરફ ‘ઠાકરે બ્રધર્સ’ (ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે) નું સંભવિત ગઠબંધન મોટો પડકાર ફેંકી રહ્યું છે. કોંગ્રેસે મુંબઈમાં એકલા હાથે લડવાની જાહેરાત કરીને સ્પર્ધાને વધુ રસપ્રદ બનાવી દીધી છે.